ગણેશ ચતુર્થીનો આવતીકાલથી પ્રારંભ

લોગવિચાર :

આદી અનાદી કાળથી અસ્‍તિત્‍વ ધરાવતા આપણા સનાતન હિન્‍દુ ધર્મની સંસ્‍કૃતિને અનુસરતા અને દેશ-વિદેશમાં વસતા તમામ હિંદુ પરિવારોમાંથી એવો એક પણ પરિવાર નહીં હોય જેના આંગણે ખુશીનો કોઈ અવસર આવ્‍યો હોય અને તેમણે એ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલા સઘળા વિધ્‍નનોને હરનારા વિધ્‍નહર્તા દેવ શ્રીગણેશજીનું પૂજન અર્ચન કરીને તેમનું સ્‍થાપનના કર્યું હોય.

શ્રીગણેશનો મતલબજ થાય છે શુભ શરૂઆત અને આથીજ કોઈપણ શુભ કાર્યનો પ્રારંભ કરતાં પહેલા એવા વિશ્વાસ સાથે ગણપતિબાપાનું આહવાન કરવામાં આવે છે કે દાદા તેમના ભક્‍તો દ્વારા શરૂ કરાયેલું કોઈપણ શુભ કાર્ય વિના કોઈ વિધ્‍ને અને નડતરે હર્ષોલ્લાસ અને આનંદથી આવશ્‍યપણે પૂરું કરાવશે.

ગણપતિદાદાના ભક્‍તો તેમને રીઝવીને, તેમનું ધ્‍યાન ધરીને, તેમનું આહવાન કરીને, તેમની પુજા અર્ચના તથા ધૂપ દીવા તેમજ હોમ હવન કરીને તેમને તેમના મનપસંદ મોદકનો ભોગ લગાવીને કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરે છે અને તેમના દ્વારા શરૂ કરાયેલુ એ શુભ કાર્ય કોઈપણ નડતર કે વિધ્‍ન વગર એકદમ આસાનીથી પાર પડી જાય એ માટે તેમનું સ્‍થાપન કરીને તેમની આરાધના કરે છે અને ગણપતિ પણ તેમના ભક્‍તોએ તેમના પર ધરેલા વિશ્વાસમાં ખરા ઉતરીને તેમના ભક્‍તોએ તેમને આગળ કરીને શરૂ કરેલ કાર્યને સુકનવંતું બનાવીને મંગલમય રીતે પૂરૂં કરાવે છે.

આમ દરેક ભક્‍તોના હરએક પ્રકારના વિધ્‍નો હરનારા આવા દેવોના દેવ એવા મહાદેવ તેમજ માતા પાર્વતિ એટ્‍લે કે માં ગૌરીના લાડકવાયા પુત્ર શ્રીગણેશની ચતુર્થીને ‘ગણેશ ચતુર્થી', ‘વિનાયક ચતુર્થી', ‘વિનાયક ચવિથિ' અથવા ‘વિનાયગર ચતુર્થી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ ‘ગણેશ ચતુર્થી'ને ભગવાન ગણેશના જન્‍મદિન તરીકે તેને યાદગાર બનાવવાના શુભ આશ્રયથી એક શુભ તહેવાર તરીકે શાણપણ, સમૃદ્ધિ અને સારા નસીબ માટે દુનિયાભરમાં દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે.

પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન ગણેશનો જન્‍મ ભાદ્રપદ મહિનાના શુક્‍લ પક્ષ દરમિયાન થયો હતો અને આથી ગણપતિબાપાનો દસ દિવસીય ગણપતિ ઉત્‍સવ ભાદ્રપદના હિંદુ મહિનાના ચોથા દિવસે (ચતુર્થી)થી શરૂ થાય છે જે સામાન્‍ય રીતે ગ્રેગોરિયન કેલેન્‍ડરમાં ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બરની વચ્‍ચે આવે છે.

આ ચાલુ વર્ષ ૨૦૨૪ના સપ્‍ટેમ્‍બર માહિનામાં આવનારી ગણેશ ચતુર્થી એકદમ અનોખી છે કારણ કે તે બે અલગ-અલગ દિવસોમાં એટ્‍લે કે તારીખ ૬ અને તારીખ ૭માં આવે છે જે ચતુર્થી તિથિ તારીખ ૬ સપ્‍ટેમ્‍બર શુક્રવારે શરૂ થાય છે અને બીજા દિવસે એટ્‍લે કે તારીખ ૭ સપ્‍ટેમ્‍બર શનિવાર સુધી ચાલે છે. જો કે દ્રિક પંચાંગ મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી ૭ સપ્‍ટેમ્‍બર શનિવારના રોજ ઉજવવામાં આવશે અને ગણપતિબાપાના પૂજનનો તેમજ સ્‍થાપન માટેનો શ્રેષ્ઠ સમય સવારના ૧૧.૦૩ વાગ્‍યાથી બપોરના ૧.૩૪વાગ્‍યા સુધીનો ગણવામાં આવ્‍યો છે. આમ અઢી કલાક જેટલા સમય સુધી ચાલનારા આ અત્‍યંત શુભ સમયગાળા દરમ્‍યાન ગણપતિનું પૂજન અને સ્‍થાપના થઈ જવું જોઇએ.

ગણપતિબાપાના કુલ દસ દિવસ સુધી ચાલનારા આ દસ દિવસીય ગણપતિ ઉત્‍સવ શુક્રવાર તારીખ ૬ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ ના રોજ બપોરે ૩.૦૧ વાગ્‍યે શરૂ થઈને મંગળવાર તારીખ ૧૭  સપ્‍ટેમ્‍બર સાંજના ૫.૩૭ વાગ્‍યાના નિર્ધારિત સમયે ગણેશના વિસર્જન સાથે સમાપ્ત થશે.

શ્રી ગણેશજીના ૧૦૮ નામો છે તેમાથી મુખ્‍યત્‍વે તેમને હેરમ્‍બા, એકદંત, ગણપતિ, વિનાયક, લંબોદર, પિલ્લૈયાર વગેરે નામોથી ઓળખવામાં આવે છે.

હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર દેવી પાર્વતીએ તેમના પોતાના શરીરનો ઉપયોગ કરીને ગણેશની ઉત્‍પતિ કરી હતી પરંતુ એક વખત જયારે તેઆ' સ્‍નાન કરી રહ્યા હતા ત્‍યારે ત્‍યાં ભગવાન શિવ આવી પહોંચ્‍યા. માં પાર્વતિની આજ્ઞા અનુસાર તેમની સ્‍નાનક્રિયામાં કોઈ પણ પ્રકારનો ખલેલ ના પહોંચે તે માટે તેમણે ભગવાન શિવને તે જગ્‍યાએ પ્રવેશવા ના દીધા અને આથી ભગવાન શિવે ગણેશ પર  ગુસ્‍સે થઈને તેમનું માથું વાઢિ નાખ્‍યું.

પોતાના પુત્રનું માથું ધડથી અલગ જોઈને માં પાર્વતી ગુસ્‍સે થઈ ગયા અને વિશ્વને ખતમ કરવાની ધમકી આપતા તેમણે મહાકાલીનું રૂપ ધારણ કરી લીધું. આ જોઈને ભગવાન શિવે તરતજ સત્‍યની ખોજ કરતાં તેમણે પોતાની ભૂલ સમજાઈ. એક બાળકનું માથું લેવા માટે મોકલેલા તેમના માણસો એક હાથીના બચ્‍ચાનું માથું લઈને પાછા ફર્યા અને ભગવાન શિવે હાથીનું એ માથું ગણેશ પર લગાવીને તેમણે પુનઃ જીવિત કર્યા અને ત્‍યારથી ભગવાન ગણેશ હાથીના માથાવાળા દેવ તરીકે ઓળખાયા.

ગણેશ ચતુર્થીનો આવતીકાલથી પ્રારંભ થશે અને ગણપતિના દરેક મંત્રો તેમના ભક્‍તોના ઘરોમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, તંદુરસ્‍તી અને બુદ્ધિ લાવવા માટે સક્ષમ છે અને તે પ્રમુખ ગણેશ મંત્રો આ પ્રમાણે છે.

(૧) ઓમ વક્રતુંડા મહા-કાયા સૂર્ય-કોટી સમપ્રભા ગજાનનમ ભૂતા ગણધિ સેવિતમ કપિતં જંબુ ફલચારૂરા ભક્ષિણમ ઉમા સુતમ શોક વિનાશ કરકમ નમામી વિઘ્‍નેશ્વર પદ પંખજમ.

(૨) ઓમ એકદંતાય વિદ્ધમહે, વક્રતુણ્‍ડયા ધીમહી, તન્નો દંતિ પ્રચોદયાત્‌.

(૩) ઓમ ગણ ગણપતયે નમઃ.

(૪) ઓમ નમો સિદ્ધિ વિનાયકાય સર્વકાર્ય કર્ત્રેય સર્વ વિઘ્‍ન પ્રશામ્‍નાય સર્વરાજય વશ્‍યકર્ણાય સર્વજન સર્વસ્ત્રી પુરૂષ આકર્ષણાય શ્રીંગ ઓમ સ્‍વાહા.

(૫) ઓમ વિજ્ઞાનશનાય નમઃ

આમ ગણેશ ઉત્‍સવ પૂર્ણ થયા બાદ ગણેશ વિસર્જન સાથે ઉત્‍સવ સમાપ્ત થાય છે અને આ દિવસે ભક્‍તો ભગવાન ગણેશની મૂર્તિઓને ભારે હૃદયથી પાણીમાં વિસર્જન કરે છે અને બાપ્‍પા આવતા વર્ષે ફરી પાછા જલ્‍દી આવવાની શુભેચ્‍છા પાઠવે છે. વિસર્જન દરમિયાન વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને લોકો ‘ગણપતિ બાપ્‍પા મોર્યા, પૂર્યા વર્ષી લખકરિયા'ના નારા લગાવે છે.