ભિક્ષુકને પૈસા આપવાથી તમે જેલમાં જઈ શકો છો : ઈન્દોરમાં ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ

લોગવિચાર :

મધ્‍યપ્રદેશના ઇંદોરને ભિખારી મુક્‍ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રએ ૧ જાન્‍યુઆરી ૨૦૨૫થી ભિખારીઓને ભીખ આપનારની વિરુધ્‍ધ એફઆઇઆર દાખલ કરવાનું શરૂ કરવામાં આવશે. જિલ્લા કલેકટર આશિષસિંહે કહયું હતું કે વહીવટીતંત્રએ ઇન્‍દોરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ અગાઉથી જારી કર્યો છે.

ઇન્‍દોર કલેકટરે કહ્‍યું કે ભીખ માંગવા વિરુધ્‍ધ અમારુ જાગળતતા અભિયાન ડિસેમ્‍બરના અંત સુધી શહેરોમાં ચાલશે. જો કોઇ વ્‍યક્‍તિ ૧ જાન્‍યુઆરીથી ભીખ આપતો જણાશે તો તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે. હું ઇન્‍દોરવાસીઓને અપીલ કરુ છું કે તેઓ ભીખ આપીને પાપના ભાગીદાર ન બને. તેઓએ કહ્‍યું કે વહીવટીતંત્રએ છેલ્લા કેટલાક મહિનાઓમાં ભીખ માંગવા મજબૂર કરનાર તમામ ગેંગનો પર્દાફાશ કર્યો છે અને ભીખ માંગવામાં સામેલ ઘણા લોકોનો પુનર્વાસ કર્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કેન્‍દ્રીય સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલયે દેશના ૧૦ શહેરોને ભિખારી મુક્‍ત બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્‍ટ શરૂ કર્યો છે. જેમાં ઇન્‍દોરનો પણ સમાવેશ થાય છે. ઇન્‍દોરને ભિક્ષુક મુક્‍ત બનાવવા માટે પોલીસ અને વહીવટી તંત્રની ટીમે થોડા સમય પહેલા ૧૪ ભિક્ષુકોને પકડયાં હતાં. આ કાર્યવાહીમાં રાજવાડાના શનિ મંદિરની પાસે એક મહિલા પાસેથી ૭૫ હજાર રૂપિયા કબજે કર્યા હતાં. જે તેણીએ છેલ્લા ૧૦-૧૨ દિવસમાં ભીખ માંગીને ભેગા કર્યા હતાં.