લોગવિચાર :
જીએસટી કાઉન્સીલની આગામી બેઠકમાં મેડીકલેઈમ તથા જીવન વીમાના પ્રિમીયમમાં આમ આદમીને મોટી રાહત આપતો નિર્ણય થવાની સંભાવના છે. પ્રિમીયમ પર 18 ટકા જીએસટી ઘટાડીને 12 ટકા થઈ શકે છે.
કેન્દ્ર સરકારના સુત્રોએ કહ્યું કે જીએસટી કાઉન્સીલની અછતની બેઠક વીમા પ્રિમીયમ પરના ટેકસ ઘટાડાના મુદા પર જ કેન્દ્રીત રહેવાની સંભાવના છે. વીમા પ્રિમીયમ પર જીએસટી ઘટાડા મામલે નિમાયેલા પ્રધાન જુથ દ્વારા રીપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. પાંચ લાખ સુધીના વીમા પર જીએસટી રદ કરવા પણ સુચવ્યુ છે જયારે તેથી વધુ રકમનાં વીમા પરના પ્રિમીયમ પરનો ટેકસ 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાની ભલામણ છે.
દેશના અનેક રાજયોએ પણ વીમા પ્રિમીયમ પર ટેકસ બોજ ઘટાડવા પર સહમતી આપી દીધી છે. જોકે અમુક રાજયોએ એવો મત દર્શાવ્યો છે કે ટેકસ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવે તો સરકારની આવકને મોટુ નુકશાન થઈ શકે છે.
પાંચ લાખ સુધીનાં વીમા પરના પ્રિમીયમનો જીએસટી રદ થાય તો સરકારને 2100 કરોડની આવક ગુમાવવી પડશે. સતાવાર આંકડા અનુસાર 2022-23 માં લોકોએ આરોગ્ય વીમા ક્ષેત્રે 90032 કરોડનું પ્રિમીયમ ભર્યુ હતું. તેમાં વ્યકિતગત આરોગ્ય વીમાને હિસ્સો 35300 કરોડ હતો અને 6354 કરોડનો ટેકસ વસુલાયો હતો.
પ્રધાન જુથ દ્વારા જીએસટી દરોને તર્કસંગત બનાવવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 5,12,18 અને 28 ટકાના ચાર સ્લેબ છે તે ઘટાડવાની દિશામાં પણ વિચારણા છે.