લોગવિચાર :
સ્વાસ્થ્ય અને જીવન વીમા પોલીસી ધારકો માટે હવે આગામી સમયમાં પ્રીમીયમ પરના જીએસટીમાં મોટી રાહત મળી શકે છે. એક તબકકે જુલાઇ માસમાં સંસદમાં પણ વીમા પોલીસી પર જે 18 ટકા જીએસટી છે તે વધુ પડતો હોવાનું અને શૂન્ય જીએસટી કરવા માંગ થઇ હતી.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેને સમર્થન આપીને સરકાર માટે વિચારવાનું ફરજીયાત બનાવ્યું હતું. જોકે નાણા મંત્રી નિર્મલા સીતારામને તેમ કહીને આ માંગણી ફગાવી દીધી હતી કે રાજયો પણ આ પ્રકારે જીએસટી ઘટાડવા સંમત નથી પરંતુ સરકાર ઉપર આવેલા ભારે દબાણના કારણે હવે આગામી દિવસોમાં જીએસટી કાઉન્સીલની બેઠકમાં વીમા પોલીસી પરના જીએસટીનો દર ઘટાડાઇ તેવી શકયતા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર જીવન વીમા પોલીસી પર આ દર લગભગ ઝીરો કરશે અને હેલ્થ ઇન્સ્યુરન્સ એટલે કે મેડીકલેઇમ માટે પાંચ ટકાની આસપાસ જીએસટી દર લાગુ કરે તેવી શકયતા છે.
ઓકટોબર માસમાં મળનારી બેઠકમાં તે અંગે નિર્ણય લેવાશે અને પોલીસી ધારકને મોટી રાહત મળે તેવી શકયતા છે. સરકાર જીએસટી દરોમાં મોટા સુધારા લાવી રહી છે ઓકટોબરમાં મળનારી મંત્રી જુથની બેઠકમાં જે રીપોર્ટ તૈયાર કરાયો છે તેમાં વીમા પ્રિમીયમ પરના જીએસટી અંગે પણ ઉલ્લેખ છે.
હવે વીમા કંપનીઓ જીવન વીમા સહિતના તમામ વીમા પોલીસી વેંચી શકશે
વીમા કંપનીઓ વચ્ચેનો ભેદભાવ દુર કરાયો
કેન્દ્ર સરકાર વીમા કાનુનમાં મોટા ફેરફાર કરવા જઇ રહી છે અને વીમા કં5નીઓ વચ્ચે જીવન વીમા પોલીસી અને અન્ય વીમા પોલીસીઓ વેંચવા અંગે જે ભેદભાવ છે તે દુર કરાશે અને વીમા કંપનીઓ તમામ પ્રકારની પોલીસી ઉપરાંત અન્ય ફાયનાન્શિયલ પ્રોડકટ પણ વેંચી શકશે.
હાલ સાધારણ વીમા કંપનીઓ એટલે કે મેડી કલેઇમ, મોટર દુર્ઘટના જેવા વીમા જ વેંચી શકે છે જયારે જીવન વીમા કંપનીઓ માટે ફકત જીવન વીમા જ યોજવાનો કાનુન છે. પરંતુ સરકાર હવે વીમા કંપનીઓ વચ્ચેનો આ ભેદભાવ દુર કરાશે.
ભારતમાં 57 વીમા કંપનીઓ છે જેમાંથી 24 કંપનીઓ જીવન વીમા સાથે જોડાયેલી પોલીસી વેંચે છે જયારે 34 કંપનીઓ બીન જીવન વીમા પોલીસીઓ વેંચે છે અને હવે નવા સુધારા બાદ તમામ વીમા કંપનીઓ તમામ પ્રકારની પોલીસીઓ વેંચી શકશે ઉપરાંત તેઓએ અન્ય ઇન્વેસ્ટમેન્ટ અને ફાયનાશ્યિલ પ્રોડકટ પણ વેંચી શકશે. સરકારે 2047 સુધીમાં તમામ માટે વીમાનું લક્ષ્યાંક રાખ્યું છે.