લોગ વિચાર :
ગુજરાતમાં બાળકો દ્વારા મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ અટકાવવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. ગુજરાત સરકારે ગુરુવારે કહયું કે તે બાળકો દ્વારા મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગને પ્રતિબંધિત કરવા માટે માર્ગદર્શિકા જારી કરશે. સરકાર માને છે કે સ્ક્રીન પર વધુ પડતો સમય વિતાવવો બાળકો માટે સારો નથી.
ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આનો ઉદ્દેશ્ય બાળકોને ઉપકરણોથી દૂર રાખવાનો અને તેમને રમતના મેદાનો અને અભ્યાસ ટેબલ તરફ આકર્ષિત કરવાનો છે. તેમણે કહ્યું કે નિષ્ણાતો સાથે સલાહ લીધા પછી આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.
ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એમ પણ કહયું હતું કે અમે અગાઉ પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવાનો સરકારી ઠરાવ બહાર પાડયો હતો. હવેથી તેનું કડક પાલન કરવામાં આવશે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શિકા વિશે જાગળત કરવામાં આવશે. આ પહેલને એક ઝુંબેશ તરીકે પ્રોત્સાહન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો છે.
એટલું જ નહીં, કેન્દ્ર સરકાર પણ આ દિશામાં કામ કરી રહી છે. કેન્દ્ર સરકાર ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોબાઇલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે ડેટા વપરાશ માટે પેરેંટલ કંટ્રોલનો સમાવેશ કરવાની યોજના બનાવી રહી છે.