લોગ વિચાર :
જુનાગઢ ભવનાથ તળેટીમાં પરંપરાગત રીતે શિવરાત્રીનો મેળો ભરાય છે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકો પુણ્યનું ભાથુ બાંધવા ભવનાથ તળેટીમાં છેલ્લા બે દિવસથી તળેટીમાં આવી પહોંચ્યા છે.
આજે રાત્રીના ભવનાથ મંદિર પાછળ જુના અખાડાના રવેડી બેન્ડવાજા સાથે નીકળશે જેમાં વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો થાનાપતિઓ સાધુ-સંતો નાગા સાધુઓ પોતપોતાના નિશાન સાથે રવેડીમાં જોડાશે પોતપોતાની ધર્મની ધજા નિશાન સાથે પાલખી યાત્રા નીકળશે.
આજે બપોરથી તમામ રોડ રસ્તાઓ બંધ કરી દેવાયા છે. બેરીકેટ ઉપરાંત રોડની બંને સાઇડોમાં થાંભલા ખોડી દોરીઓ બાંધી આડશ કરી દેવામાં આવી છે. બપોથી લોકો રવેડીના દર્શન માટે ધોમધખતા તાપમાં ગોઠવાઇ ગયા છે.
જે મોડી રાત સુધી ભુખ્યા તરસ્યા રવેડીના દર્શન માટે બેસી ગયા છે. રવેડીમાં પંચ દશનામ જુના અખાડાના દત્તાત્રેય ભગવાન આહવાન અખાડાના ગણેશજી, અગ્નિ અખાડાના વેદમાતા ગાયત્રીની પાલખી યાત્રા પર ગજ ધજા બેન્ડ વાજા સાથે નીકળશે તેના દર્શન કરવા ઉપરાંત નાગા સાધુઓના અંગ કસરતના દાવોમાં પોતાની ઇન્દ્રીયમાં લાકડી વીંટી તેના ઉપર અન્ય નાગા બાવા સાધુઓ ચડી વિવિધ દાવો તલવારબાજી, પટ્ટાબાજી કરતા જોવા માટે લોકો બપોરથી ગોઠવાઇ જવા પામ્યા છે.
ઇન્દ્રીય સાથે દોરી બાંધી વાહનોને ખેંચવાના અલૌકિક દ્રશ્યો જોવા ઉપરાંત કોઇના કોઇ વેશમાં ભગવાન શિવજી અહીં ચોકકસ આવે છે તેના દર્શન માટે દેશવરમાંથી ભાવિકો તળેટીના મેળામાં શિવરાત્રીના રાત્રીના અહીં આવે છે.
ભવનાથના મુખ્ય રસ્તા ઉપરથી રવેડી પસાર થઇ ભવનાથ મંદિરે દર્શન કરી મૃગીકુંડમાં શાસ્ત્રોકત વિધિ સાથે સ્નાન કરશે. શાહી સ્નાન બાદ મહા શિવરાત્રીના મેળાનું સમાપન કરવામાં આવશે.
રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મેળામાં સહભાગી થયા છે. તેઓ શેરનાથ બાપુની જગ્યા, ભારતી આશ્રમ, ભવનાથ મંદિર સહિત ખાતે દર્શનાર્થે ગયા હતા અને સંતો-મહંતો, મહામંડલેશ્વરો, થાનાપતિઓ, ગાદીપતિઓની મુલાકાત લીધી હતી.
ભવનાથ મહંત હરિગીરી સહિતના સંતોની સાથે ચર્ચા વિચારણા કરી દર્શન કર્યા હતા ઉપરકાંત ચાપરડાના મહંત મુકતાનંદ મહારાજ, ગોરખનાથ આશ્રમના શેરનાથ બાપુ, વસ્ત્રાપસર મહાદેવ મંદિરના મહેશગીરી, હરિહરાનંદજી (ભારતી આશ્રમ) રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઇન્દ્રભારતી બાપુ, પારસધામ ખાતે નમ્રમુનિ મહારાજની મુલાકાત લીધી હતી. અનેક અન્નક્ષેત્રોની મુલાકાત લઇ જાતનિરીક્ષણ કર્યુ હતું.
આજે શિવરાત્રીના પાવન પર્વ નિમિતે રાત્રીના 12 કલાકે શાહી સ્નાન બાદ મેળાની પુર્ણાહુતિ થશે. મૃગીકુંડમાં શાહી સ્નાન કરવા હજારો સાધુઓ સ્નાન કરશે. ભવનાથ મંદિરમાં વિશેષ ફળ, ફુલ, શૃંગાર કરવામાં આવ્યા છે. જેમાં 51 કિલો ફુલ 125 કિલો ફ્રુટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભવનાથ મંદિરની પાછળ જુના અખાડાથી રવેડી રાત્રીના 9 કલાકે બેન્ડવાજા સાથે નીકળશે તે દત્ત ચોકથી થઇ ઇન્દ્રભારતી બાપુના ગેઇટ સુધી જશે.
ત્યાંથી પરત ફરી બાજુના રોડ પરથી ભારતી આશ્રમ પાસેથી ભવનાથ મહાદુવના મંદિરે ફરશે જયાં ભવનાથ દાદાની આરતી સાથે મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે મહાઆરતી ભવનાથ દાદાની કર્યા બાદ વિધીવત રીતે મેળો સંપન્ન થશે. આ રવેડીના રૂટને પાણી ધોવામાં આવ્યા છે જેના ઉપર લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
નાગા સાધુઓની રવેડી સાથે પાલખી યાત્રા નીકશે જે મૃગીકુંડ ખાતે આવી શાહી સ્નાન કરશે તે મૃગીકુંડને ગિરનાર સ્પોર્ટસ એકેડમીની ટીમ દ્વારા 250 કિલો ગુલાબની પાંખડીનો છંટકાવ કરવામાં આવશે તેમજ તળેટી વિસ્તારમાં રવેડી દરમ્યાન 2000 કિલો ફુલ વડે રવેડી અને દિગમ્બર સધુઓને ફુલની વર્ષા કરી સ્વાગત કરવામાં આવશે.
મૃગીકુંડને 250 કિલોના ગુલાબથી શૃંગાર કરવામાં આવ્યો છે. રવેડીના રૂટ પર પણ ફુલો પાથરવામાં આવ્યા છે.દત્ત ભગવાનને પ્રિય એવા સફેદ ફુલના ગોટાઓ તમામ ધુણાઓને શૃંગાર કરવામાં આવ્યો છે. અંદાજે 250 જેટલા ધુણાને શણગાર કરવામાં આવ્યા છે.