લોગ વિચાર :
સમગ્ર દેશ સાથે ગરમીનું ભયંકર મોજુ ઉત્તર ભારતમાં ફેલાઇ રહ્યું છે. ભીષણ ગરમીના કારણે હવે સુરજનો તાપ જીવલેણ બનતો હોય તેમ ગઇકાલે ગુરૂવારે માત્ર એક દિવસમાં ઉત્તરપ્રદેશમાં 164 અને બિહારમાં 60 સહિત કુલ 227 લોકોના મોત થયા છે. તો દિલ્હીમાં પણ પહેલું મૃત્યુ નોંધાયું છે.
ગઇકાલે પંજાબનું ફરીદકોટ અને રાજસ્થાનનું શ્રીગંગાનગર પુરા દેશમાં સૌથી ગરમ રહ્યું હતું અને તાપમાન 48.3 ડિગ્રી હતું યુપીના બુલંદ શહેરમાં 48, દિલ્હીમાં 45.6, નોઇડામાં 47.3 પર પારો હતો. ભયંકર ગરમી અને લુના કારણે ગઇકાલે એક દિવસના સૌથી વધુ મોત હતા. ઔરંગાબાદમાં ર0 લોકો અને દિલ્હીમાં એક મજુરનો જીવ ગયો હતો. હરિયાણામાં બે મૃત્યુ થયા છે.
ઉત્તરપ્રદેશમાં વારાણસી અને આસપાસના જિલ્લામાં 72 લોકોના, બુંદેલખંડ અને કાનપુર આજુબાજુમાં 47 લોકોના મૃત્યુ થયા હતા. પ્રયાગરાજમાં 11, કોસંબીમાં 9, ઝાંસીમાં 6, આગ્રામાં 3 લોકોના જીવ ગયા છે. દેશમાં 41 સ્થળે મહતમ તાપમાન 45 ડિગ્રી અથવા તેથી વધુ રહ્યું હતું. રાજસ્થાનના પિલાની શહેરમાં 47.6, હનુમાનગઢમાં 47.2, ચુરૂમાં 47, જેસલમેરમાં 46.1, બિકાનેરમાં 46.8, અલવરમાં 46, ચંદીગઢમાં 44.9 ડિગ્રી તાપમાન હતું.
ઉતર ભારત સહિત દેશના અનેક શહેરોમાં ભીષણ ગરમી પડી રહી છે. અંગ દઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બિહારમાં પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. ઔરંગાબાદ જિલ્લામાં હીટવેવને કારણે 16 લોકોના મોત થયા છે.
દરમ્યાન બિહારમાં કાળઝાળ ગરમીના કારણે રાજ્ય સરકારે બુધવારે તમામ ખાનગી અને સરકારી શાળાઓ, કોચિંગ સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોને 8 જૂન સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે કાળઝાળ ગરમીના કારણે શેખપુરા, બેગુસરાય, મુઝફ્ફરપુર અને પૂર્વ ચંપારણ સહિતના ઘણા વિસ્તારોમાંથી સરકારી શાળાના શિક્ષકો બેહોશ થઈ જવાના બનાવો પણ નોંધાયા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં બિહારના ઘણા ભાગોમાં ભારે ગરમી ચાલુ રહેશે. આ ઉપરાંત દિલ્હી અને એનસીઆરમાં બે દિવસ ભારે પવન સાથે આંધી જેવું વાતાવરણ સર્જાવાની આગાહી કરાઇ છે. ઉત્તરપ્રદેશમાં પણ પાંચ દિવસમાં ઝરમર વરસાદ ચાલુ થાય તેમ છે.