લોગ વિચાર.કોમ
ગુજરાત સહિત દેશમાં અનેક ભાગોમાં હિટવેવની હાલત સર્જાયલી જ છે. ત્યારે ઉતર ભારતમાં પણ જુન મહિના જેવી ગરમી એપ્રિલમાં જ શરૂ થઈ ગઈ હોય તેમ તાપમાનનો પારો 40 ડીગ્રીને આંબી ગયો છે અને હવામાન વિભાગ દ્વારા ભયંકર લુ ફુંકાવાની ચેતવણી જારી કરવામાં આવી છે.
દિલ્હી-પંજાબ, હિમાચલ ઉતરાખંડ સહીતનાં ઉતરભારતના રાજયોમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને આંબી ગયો હતો જે નોર્મલ કરતા 3 ડીગ્રી વધુ હતો. દિલ્હી તથા પંજાબમાં આજથી લુ ફુંકાવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે.
એટલુ જ નહિં મેદાની ભાગોની સાથોસાથ પર્વતીય રાજયોમાં પણ ગરમીનો પારો ઉંચે જવાનુ એલર્ટ આપવામાં આવ્યું છે.પર્વતો પણ તપવા લાગ્યા છે.
હિમાચલ તથા ઉતરાખંડમાં પર્વતીય ભાગોમાં પણ તાપમાન 30 ડીગ્રીથી વધુ થઈ ગયુ છે. આવનારા દિવસોમાં ગરમાગરમ લુ ફુંકાવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.પંજાબનાં અનેક શહેરોમાં તાપમાન નોર્મલ કરતા 6 ડીગ્રી ઉંચુ થતાં હીટવેવની હાલત સર્જાઈ હતી.
10 એપ્રિલ સુધીમાં રાજયમાં તાપમાન 40 થી 42 ડીગ્રીએ પહોંચવાની આગાહી કરવામાં આવી છે.ઉતરાખંડ તથા હિમાચલમાં પણ તાપમાન 2 થી 3 ડીગ્રી વધે તેવી સંભાવના દર્શાવાય છે જોકે 10 અને 11 તારીખે હળવો વરસાદ તથા હીમવર્ષા થવાની આગાહી પણ છે.