લોગ વિચાર :
ગત સપ્તાહે મુંબઈ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ અમોલ કાલેનું ન્યુયોર્કમાં હાર્ટ એટેકનું અવસાન થયાના સમાચારની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ગઈકાલે સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમના પ્રમુખ હેમંત કોન્ટ્રાકટરનું હાર્ટએટેકથી નિધન થયું છે.
સોમવારે તા.17 જુનની સવાર સુરતના રમતપ્રેમીઓ માટે આઘાતજનક સમાચાર લઈને આવી હતી. શહેરના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમના પ્રમુખ હેમંતભાઈ કોન્ટ્રાકટરનું નિધન થયું હતું. આ સમાચાર વહેતા થતાં જ શહેરના રમતપ્રેમીઓ આઘાતમાં સરી પડયા હતા. તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પણ ઉપપ્રમુખ હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર 68 વર્ષીય હેમંતભાઈ કોન્ટ્રાકટરને રવિવારની રાત્રિએ હાર્ટએટેક આવ્યો હતો. મુંબઈ એરપોર્ટ નજીક મેરિયોટ હોટલમાં તેઓ રોકાયા હતા. રાત્રિના લગભગ 12 વાગ્યાની આસપાસ તેમને અકળામણનો અનુભવ થયો હતો. આથી હેમંતભાઈએ એસિડીટીની દવા લીધી હતી.
જોકે, થોડી જ ક્ષણો બાદ તેઓ ખુરશી પર જ ઢળી પડયા હતા.
હોટલ સંચાલકો નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના 1 વાગ્યે આ સમાચાર સુરત પહોંચતા તેમના સગાસંબંધીઓ, લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમના સભ્યો આઘાતમાં સરી પડયા હતા.
વહેલી સવારે હેમંતભાઈના પાર્થિવ દેહને સુરત લાવવામાં આવ્યો હતો. બપોરે 1 વાગ્યે ડુમસના ભીમપોર ગામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમના પ્રમુખ ઉપરાંત તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ પણ હતા. તેમના કાર્યકાળ દરમિયાન સુરતમાં વુમન્સ ટી-20 ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન થયું હતું.