લોગવિચાર :
કુવૈતમાં અમીર શેખ મેશાલ અલ અહમદ અલ જબર અલ સબાહના આમંત્રણને માન આપીને વડાપ્રધાન મોદી બે દિવસીય કુવૈત પ્રવાસે છે. ૧૯૮૧માં ઇન્દીરા ગાંધી કુવૈત પ્રવાસે ગયા હતા. હવે ૪૩ વર્ષ પછી પીએમ મોદી ત્યાં પહોંચ્યા છે. કુવૈતની અર્થવ્યવસ્થામાં ભારતીયોનું મોટું યોગદાન છે. વાળંદથી લઈને ડોક્ટર સુધીની ભૂમિકામાં લાખો ભારતીયો કુવૈતમાં કામ કરી રહયા છે.
દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય કુવૈત જઈને હોસ્પિટલથી લઈને તેલના કૂવાઓ અને ફેક્ટરી સુધી તમામમાં કામ કરે છે. કુવૈતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ ઘણા ભારતીય છે. મીડિયા રિપોર્ટ્સ અને કુવૈતમાં સ્થિત ભારતીય દૂતાવાસ અનુસાર, કુવૈતમાં આશરે ૧૦ લાખ ભારતીય છે. આ આંકડા કુવૈતની કુલ વસ્તીના ૨૧ ટકા હોવાનું જણાવાય રહયું છે. ત્યાં કુલ કારીગરોમાં ૩૦ ટકા ભારતીય સામેલ છે. કુવૈતમાં રહેનાર ભારતીયોમાં મોટા ભાગે દક્ષિણ ભારતથી છે.
વર્ષ ૨૦૧૨માં ભારત અને કુવૈત વચ્ચે હેલ્થ સેક્ટરને લઈને મોટી ડીલ થઈ હતી. તે અંતર્ગત હેલ્થ સર્વિસને લઈને એક સંયુક્ત કાર્ય દળ બનાવવામાં આવ્યું હતું. ૧૨ વર્ષોમાં તેને લઈને ઘણી બેઠકો થઈ ચૂકી છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસનું માનવું છે કે, અહીં રહેનાર ભારતીયોમાં સૌથી વધુ કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુથી છે. તેમાં સૌથી વધુ લોકો કુવૈતમાં હેલ્થ સેક્ટરમાં ડોક્ટર કે નર્સ તરીકે કામ કરી રહયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતથી આવનાર ફ્રેશર કામદારોને કુવૈતમાં ૧૦૦ કુવૈતી દિનાર (૨૭,૨૬૨) રૂપિયા પ્રતિ મહિને પગાર મળે છે. અનસ્કિલ્ડ લેબર્સમાં મજૂર, હેલ્પર અને ક્લીનર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સેમી સ્કિલ્ડ વર્કર્સ કુવૈતમાં ડિલીવરી બોય, વાળંદ, સુરક્ષા ગાર્ડનું કામ કરે છે. તેમને ૧૦૦થી ૧૭૦ દિનાર (૪૬૫૬૦ રૂપિયા) સુધી માસિક પગાર મળે છે. સ્કિલ્ડ ભારતીય અહીં ટેક્નિકલ, મિકેનિકલ અને હેલ્થ સેક્ટરમાં કામ કરે છે. તેમનો માસિક પગાર ૧૨૦ થી ૨૦૦ કેડી (૬૦ હજાર રૂપિયા) સુધી હોય છે.