લોગ વિચાર.કોમ
ભારત-પાકિસ્તાન વચ્ચે મીની યુદ્ધ તથા ગેરકાયદે વસાહતીઓના ઘટનાક્રમ વચ્ચે રાજય સરકારે આંતરિક સુરક્ષા અસરકારક બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. હવે રાજયમાં કામ કરતાં તમામ કામદારો માટે ઓળખકાર્ડ ફરજીયાત થશે અને આ માટે ખાસ માર્ગદર્શિકા ઘડવાનું શરૂ કરાયું છે.
કામદારો-કર્મચારીઓને કામે રાખતા માલિકોએ તેમની ઓળખની નકલ પોલીસને સોંપવી પડશે.નિયમભંગ બદલ કાનુની પગલા ભરવાની જોગવાઈ કરાશે. જોકે, કામદાર દ્વારા બોગસ દસ્તાવેજ રજુ કરવામાં આવ્યા હોય તો માલિકની જવાબદારી નહિં ગણાય.
રાજય સરકારના સુત્રોએ કહ્યું કે, નવી સુચિત માર્ગદર્શિકા-નિયમો તમામે તમામ વર્ગને લાગુ પડશે.ચા-પાનની દુકાનો મોટી કંપનીઓ તથા બાંધકામ કોન્ટ્રાકટરોથી માંડીને ઘરકામ માટે રખાતા નોકરોને પણ ઓળખકાર્ડ આપીને તેની નકલ પોલીસમાં જમા કરાવવાની રહેશે.
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજી હતી. તેમાં જીલ્લા પોલીસવડાઓ તથા કમિશ્નરો પણ હાજર હતા.
ગૃહ વિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું કે તાજેતરમાં ગેરકાયદે વસાહતીઓ પર ઉતારાયેલી તવાઈ વખતે તેઓ લાંબા વખતથી ગુજરાતમાં વસવાટ કરતાં હોવાનું માલુમ પડયુ હતું.
જીવન નિર્વાહ માટે કોઈને કોઈ કામ ધંધો કરતા હોવાનું સ્પષ્ટ બની ગયુ હતું. આ સંજોગોમાં તમામની ઓળખ સ્થાપિત કરવાનું જરૂર છે. આ સ્થિતિમાં તમામ માલિકોએ કર્મચારી-કામદાર-નોકરના આધારકાર્ડ, રેશનકાર્ડ, વોટર આઈડી કાર્ડ ઓળખના પુરાવા તરીકે મેળવવા પડશે અને તેની નજીકનાં પોલીસ સ્ટેશનોને આપવી પડશે. નવી માર્ગદર્શિકા વિશે પોલીસ કમિશ્નરો તથા જીલ્લા પોલીસ વડાઓને સુચના આપવામાં આવી છે.ગૃહ મંત્રાલયે નિશ્ચિત માર્ગદર્શિકા ઘડવાનું પણ શરૂ કર્યું છે અને તુર્તમાં જાહેર કરાશે.
બોગસ દસ્તાવેજોનાં આધારે પાસપોર્ટ મેળવી લેનાર બાંગ્લાદેશી નાગરિકનાં કિસ્સાને આગળ ધરીને સુત્રોએ કહ્યું કે કામદારોનાં ઓળખકાર્ડનાં આધારે ષડયંત્ર તથા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ અટકાવી શકાશે. સીંગલ પ્લેટફોર્મ પર જ ડેટા ઉપલબ્ધ બને તે માટે ટેકનોલોજી વિકસીત કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલગામનાં હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે વસતા વિદેશી નાગરિકો પર તવાઈ બોલાવવામાં આવી હતી. માત્ર અમદાવાદમાં જ 890 બાંગ્લાદેશી નાગરિકો પકડાયા હતા.
સુરતમાંથી 134 પકડાયા હતા. તેમાંથી ચારની ગુનાહીત સાંઠગાંઠ ખુલી હતી. બે ત્રાસવાદી સંગઠન અલ કાયદાનાં સ્લીપર સેલ હોવાની શંકા છે. આ તમામ લોકો બોગસ દસ્તાવેજોનાં આધારે ગુજરાતમાં વસવાટ કરતા હોવાનું માલુમ પડયુ હતું.
ગૃહમંત્રીએ જીલ્લા પોલીસ વડા-કમિશ્નરોને સુચના આપી દીધી: તુર્તમાં જઘઙ જાહેર થશે
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં જીલ્લા પોલીસ વડાઓ તથા પોલીસ કમિશ્નરોને સરકારની આંતરિક સલામતીની સુચિત યોજના વિશે જાણ કરી હતી. તુર્તમાં વિધીસરની માર્ગદર્શિકા જારી કરવાનું પણ સ્પષ્ટ કર્યું હતું.