લોગ વિચાર :
ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને દરેક જગ્યાએ તેનું વિશેષ મહત્વ છે. ઉત્તર ગુજરાતમાં નવરાત્રી ઉપરાંત ઘણા ધાર્મિક પ્રસંગો યોજાય છે, જેમાં ફૂલની વધારે જરૂર પડે છે. આ સમયે ફૂલની માંગ અને વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તહેવારને કારણે ફૂલના ભાવમાં પણ વધારો થયો છે. મહેસાણામાં હોલસેલ અને રિટેલ બંને ફૂલના વેપારી સામાન્ય લોકોની વધતી માંગને પહોંચી વળવા વ્યસ્ત છે. રિટેલ ફૂલ માર્કેટમાં ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. ચૈત્ર મહિનાના ફૂલ ખરીદવા લોકો મોટી સંખ્યામાં આવે છે. મહેસાણાની મોઢેરા ચોકડીથી બજાર તરફ જવાના રસ્તામાં ૩-૪ રિટેલ ફૂલના વેચાણની દુકાનો આવેલી છે.
મોઢેરા ચોકડીના ખોડિયાર ફ્લાવર્સના વેપારી હાર્દિકભાઈ રામી જણાવે છે કે ‘‘હાલમાં ચૈત્ર મહિનાની શરૂઆત સાથે ફૂલોના ભાવમાં ઉછાળો આવ્યો છે. હજારીગર જે ૪૦ થી ૫૦ રૂપિયા કિલોના ભાવે મળતા હતા, તે હવે ૭૦ રૂપિયાના ભાવે કિલો મળે છે. ગુલાબના ભાવ ૭૦ થી ૮૦ રૂપિયા હતા, પરંતુ હવે તે ૧૦૦ થી ૧૨૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. ફૂલોના મોંઘા થવાના કારણે તેના હાર અને લીલા ફૂલો પણ મોંઘા થયા છે.''
હાર્દિકભાઈએ વધુમાં જણાવ્યું છે કે અત્યારે અજમેર અને જમાલપુર માર્કેટમાંથી ફૂલની આવક થઈ રહી છે. ચૈત્ર મહિનાની શરૂઆત સાથે ગરમી પણ શરૂ થઈ છે, જેના કારણે ફૂલની આવક ઓછી થાય છે અને માંગ વધી જાય છે, તેથી ફૂલના ભાવમાં ઉછાળો આવે છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, માતાજીની રમેળ, જાત્રા, શુકન મેળા જેવા ધાર્મિક પ્રસંગોના કારણે ફૂલોની માંગ વધે છે, જેના કારણે ભાવમાં પણ વધારો થાય છે. લોકો હજારીગલના ફૂલ ખરીદવાનું વધુ પસંદ કરે છે.
ગુલાબ મોંઘા હોવાને કારણે લોકો તેનો ઉપયોગ ઓછો કરે છે, જેના પગલે હજારીગલના ફૂલનું વેચાણ વધુ થાય છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વેચાણમાં વધારો થવાનો અંદાજ છે. મહેસાણામાં આશરે ૧૦ નાની-મોટી ફૂલની દુકાનો છે, જેમાંથી દરેક દુકાનમાં અંદાજે ૧૦૦ થી ૨૦૦ કિલો જેટલા ફૂલનું વેચાણ થાય છે અને ઓછામાં ઓછા ૫૦ કિલો જેટલા ગુલાબનું વેચાણ થાય છે.