Improve the habit ભરપૂર ભોજન કરવા છતાં વ્યક્તિને પૂરતું પોષણ મળતું નથી

લોગવિચાર :

કુપોષણ શબ્દને આપણે સામાન્ય રીતે અપુરતાં ભોજન સાથે જોડીએ છીએ. ગુજરાતના ઘણાં શહેરી વિસ્તારોમાં લોકો પુરતો ખોરાક લે છે છતાં તેમના ખોરાકમાંથી તેમને યોગ્ય પોષણ મળતું નથી. ભારત સપ્ટેમ્બરને સાતમા "રાષ્ટ્રીય પોષણ મહિના" તરીકે ઉજવે છે, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તમામ વય જૂથો માટે આહારની આદતો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

કોર્પોરેટ હોસ્પિટલના ચીફ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ શ્રુતિ કે ભારદ્વાજે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવતાં દર 100 દર્દીઓમાંથી 90 માં વિટામિન ડી અને બી 12 જેવા પોષકતત્વોની ઉણપ હોય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સગર્ભા સ્ત્રીઓમાં એનિમિયાનું પ્રમાણ પણ વધારે છે. આ બધી ખામીઓ ખાવાની આદતો સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

ખોટી માન્યતાઓ દૂર કરવી પણ સમયની જરૂરિયાત છે જે લોકો કેલરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેઓ શુગર ફ્રી ઉત્પાદનોનું સેવન કરે છે, જે વાસ્તવમાં સંપૂર્ણપણે શુગર ફ્રી હોતાં નથી. ખાવાની આદતો અને બેઠાડું જીવનશૈલી વ્યક્તિના શરીરમાં ફેરફાર કરે છે અને ચરબી શરીરના જરૂર અવયવો પર જમા થઈ જાય છે. જેના કારણે ફેટી લીવર થઈ જાય છે.

ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ખાતે સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન ન્યુટ્રિશનના વડા પ્રોફેસર સોમેન સાહાએ જણાવ્યું હતું કે, પોષણનું ધ્યાન મોટેભાગે પ્રારંભિક તબક્કામાં સ્તનપાનથી લઈને પૂરક ખોરાક સુધી રાખવું જોઈએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘણીવાર એવું જોવા મળે છે કે દરેક ઉંમરના લોકો તેમને પરવડે તેવા તૈયાર પેકેજ ફૂડ અને ફાસ્ટ ફૂડ લે છે. નાની ઉંમરે જ કુપોષણને દૂર કરવા માટે આપણે ધ્યાન આપવું જોઈએ. પેકેજ ફુડ અને ફાસ્ટ ફૂડ નિયમિત આહારનો વિકલ્પ ન હોઈ શકે.

આપણે ઓછામાં ઓછું પેકેજ ફૂડ અને ફાસ્ટ ફૂડ લેવું જોઈએ. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 4 અને 5 ના ડેટાની સરખામણી દર્શાવે છે કે રાજ્યમાં ઉચ્ચ શહેરી વસ્તી ધરાવતા ચાર જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 2015 - 16 અને 2019 - 21 વચ્ચે કુપોષણનો સૂચકાંક વધ્યો છે.

શેલ્બી હોસ્પિટલ્સના ન્યુટ્રિશનિસ્ટ પલક અંતિયાએ જણાવ્યું હતું કે, દર્દીઓને સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે હોસ્પિટલ આવવું એ સામાન્ય છે, જેનું મૂળ કારણ એનિમિયા અને કુપોષણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે "થાક, નબળાઇ અથવા માથાનો દુખાવો અથવા ચક્કર જેવી નાની સમસ્યાઓ બહારના ખોરાક અથવા જંક ફૂડના નિયમિત સેવનથી ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ થાય છે.

પરંપરાગત ગુજરાતી આહાર કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને આવશ્યક વિટામિન્સનું સારું મિશ્રણ પૂરું પાડે છે તેથી નિયમિતપણે પરંપરાગત ગુજરાતી આહાર લેવાથી મોટાભાગના પોષકતત્વો મળી રહે છે અને નાનીમોટી બીમારીઓ થતી નથી.