Puna Rape Case : નિર્ભયાકાંડ જેવા પુના બળાત્કાર કેસમાં, બળાત્કારીની આખરે ધરપકડ

લોગ વિચાર :

દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ પુનામાં સર્જાયેલી બળાત્કારની સનસનીખેજ ઘટનામાં છેવટે 70 કલાક બાદ બળાત્કારીને પકડવામાં સફળતા મળી છે. ગામડામાં છુપાયેલા દતાત્રેય રામદાસ ગાડે નામનાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

બળાત્કાર કાંડથી ભારે આક્રોશને પગલે આરોપીને ઝડપવા પર એક લાખનુ ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પુનાના સ્વગેટ બસ ડેપોમાં એક બસમાં મેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી યુવતી પર આરોપીએ બળાત્કાર કર્યો હતો.

સતારાની બસની રાહ જોતી યુવતીને આરોપી બીજી બસમાં લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાને પગલે રાજયવ્યાપી રોષ ફાટી નીકળ્યો હતો. જેને પગલે સરકારે આરોપીને ઝડપવા માટે 13 ખાસ ટીમોને કામે લગાડી હતી. ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી હતી અને બાતમી આપનાર માટે એક લાખનું ઈનામ જાહેર કર્યુ હતું.

તપાસનીસ પોલીસ ટીમો દ્વારા બસ સ્ટેન્ડનાં સીસીટીવીનાં આધારે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસના સુત્રોએ કહ્યું કે સળંગ 70 કલાકની તપાસ બાદ ગામ લોકોની મદદથી આરોપીની ઓળખ શકય બની હતી અને શેરડીનાં ખેતરમાં છુપાયેલા આરોપીને પકડી લેવાયો હતો.

બળાત્કાર કાંડ બાદ આરોપી શાકભાજીનાં ટ્રકમાં બેસીને ગામડે પહોંચી ગયો હતો. કપડા બદલાવીને ત્યાંથી પણ ફરાર થઈ ગયો હતો અને શેરડીનાં ખેતરમાં છુપાયો હતો.

આરોપીની હરકતથી ગામ લોકોને પણ શંકા ગઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આરોપીને પકડવા 100 થી વધુ જવાનોના કાફલાને દોડાવવામાં આવ્યો હતો. ડોગ સ્કવોડ તથા ડ્રોન કેમેરાની મદદથી ખેતરો ફેંદવાનું શરૂ કરવામાં આવ્યુ હતું અને છેવટે શેરડીનાં ખેતરમાંથી મળી આવ્યો હતો.

પોલીસ તપાસમાં આરોપી ગુન્હાહીત ઈતિહાસ ધરાવતો હોવાનું બહાર આવ્યુ છે. ચેઈન સ્નેચીંગ-ચોરી સહીત અર્ધો ડઝન ગુના તેના નામે નોંધાયેલા છે.