લોગવિચાર :
બેટરીમાં ચાર્જીંગની ઝંઝટ રહેતી હોય છે, જો કે ભવિષ્યમાં આ સમસ્યા નહીં રહે. બ્રિટને એક-બે દિવસ નહીં, હજારો વર્ષ સુધી ચાલે તેવી હીરાની બેટરી તૈયાર કરી છે. બ્રિસ્ટલ યુનિવર્સિટી અને યુકે પરમાણુ ઉર્જા ઓથોરિટી (યુકેએઈએ)ના વૈજ્ઞાનિકોએ મળીને દુનિયાની પહેલી કાર્બન-14 ડાયમંડ બેટરી બનાવી લીધી છે જે હજારો વર્ષ સુધી ડિવાઈસને ઉર્જા આપવામાં સક્ષમ રહેશે.
રેડિયો કાર્બન ડેટીંગ માટે કાર્બન-14નો ઉપયોગ કરવામાં આવે છે, આ ટેકનીક અનેક ક્ષેત્રો માટે ઉલ્લેખનીય સાબીત થશે. બેટરીમાં તાર કે ચુંબક જેવો કોઈ પાર્ટ નથી લગાવાયો, જેને મેન્ટેનન્સની જરૂર નથી કે તેનાથી કાર્બન ઉત્સર્જનનું જોખમ નથી. એક હીરાની બેટરીમાં એક ગ્રામ કાર્બન-14 હશે. 1 દિવસમાં તે 15 જુલ્સ વીજળી ઉપલબ્ધ કરાવશે. (જુલ ઉર્જા માપવાનું સાધન છે.)
કાર્બન-14 શા માટે?: સંશોધકોએ આ ખાસ બેટરી બનાવવામાં કાર્બન-14નો ઉપયોગ કર્યો છે. કારણ કે તેનાથી થનારું રેડિયેશન ઓછા અંતરનું છે. આ રેડિયેશનને તરત સખત પદાર્થ શોષી લે છે એટલે તેને કોઈ પ્રકારનું નુકસાન પણ નથી.
બ્રિસ્ટલ યુનિવર્સિટીના પ્રો. નીલ ફોકસે કહ્યું છે- હીરો સૌથી મજબૂત પદાર્થ છે. તેની જગ્યાએ ઉપયોગ કરવા કોઈ બીજો વિકલ્પ નથી. આ ડિવાઈસની વિશેષતા એ છે કે તે હજારો વર્ષ સુધી પાવર આપવા સક્ષમ છે.
તેમાં ચુંબક અને તાર નહીં હોવાથી બગડવાની ઝંઝટ નથી. અંતરિક્ષ ક્ષેત્ર માટે ઉલ્લેખનીય ટેકનીક છે. મેડીકલ ડીવાઈસ- જેમકે હીયરીંગ એડ, પેસમેકરમાં તેનો ઉપયોગ થઈ શકે.