લોગ વિચાર :
જે લોકો ટ્રાફિકના રૂલ્સનો ભંગ કરે છે, જરૂરી ડોક્યુમેન્ટ પોતાની સાથે નથી રાખતા અને પછી દંડ પણ નથી ભરતા તેવા લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે. આવા લોકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવા માટે સરકારે નવો રસ્તો શોધી કાઢ્યો છે.
હવેથી આખા ગુજરાતમાં ઈ-ચલણને ફાસ્ટેગ સાથે લિંક કરવામાં આવશે. જેથી જેમના નામે ઈ-ચલણ નીકળ્યા હોય અને દંડ ભર્યો ન હોય તેવા લોકોના ફાસ્ટેગમાંથી જ દંડની રકમ ડેબિટ થઈ જશે.
જેમના નામે દંડ બોલતો હશે તેઓ ટોલ નાકા પરથી પસાર થશે કે તરત ફાઈન વસુલ કરી લેવામાં આવશે. સૌથી પહેલા કોમર્શિયલ વાહનોને આ સિસ્ટમમાં કવર કરી લેવામાં આવશે અને તેમના પર જે દંડની રકમ બાકી નીકળતી હશે તે વસુલ કરવામાં આવશે. ટ્રાફિકના નિયમો તોડનારાઓ માટે આ બહુ ચિંતાજનક ફેરફાર છે કારણ કે તેમને આકરો દંડ થાય તેવી શક્યતા છે.
ટૂંક સમયમાં એક પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે જેમાં જે હેવી વ્હીકલ્સ પાસે પીયુસી સર્ટિફિકેટ નથી, ઈન્શ્યોરન્સ અથવા ટેક્સ પેમેન્ટની રિસિપ્ટ નથી તેમની પાસેથી દંડ વસુલવામાં આવશે. બીજા તબક્કામાં કાર અને હળવા વાહનોને પણ તેમાં સમાવી લેવામાં આવશે.
ગુજરાત સરકાર ઈ-ડિટેક્શન નામે એક પ્રોજેક્ટ શરૂ કરવાની છે તેથી આવશ્યક ડોક્યુમેન્ટ ન હોય, જેમ કે પીયુસી સર્ટિફિકેટ, વીમાના કાગળો અથવા ટેક્સની રિસિપ્ટ ન હોય તો આપોઆપ નાણાં ફાસ્ટેગમાંથી કપાઈ જશે.
સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જણાવેલ હતું કે અમે જુલાઈ મહિનાના અંતમાં ચાર ટોલ ટેક્સ ચેકપોઈન્ટ પર આ પ્રોજેક્ટ શરૂ કરવાના છીએ. તેમાં પીળી નંબર પ્લેટ ધરાવતા વાહનો જેમ કે કેબ ટેક્સી, ગુડ્સ વ્હીકલ, બસ અને બીજા વાહનોને કવર કરી લેવાશે. પછી કારને પણ તેમાં કવર કરાશે.