લોગ વિચાર.કોમ
ઓપરેશન સિંદુરમાં છેક પાકના પાટનગર ઈસ્લામાબાદના જોડીયા શહેર રાવલપીંડીના નૂરખાન એરબેઝને ભારતીય હવાઈ હુમલામાં તબાહ કર્યા બાદ એક તરફ પાક ફફડી રહ્યું છે તે સમયે જ ડિરેકટર જનરલ ઓફ મિલીટ્રી ઓપરેશન લેફ. જનરલ સુમેર ઈવાન ડી કુન્હાએ આકરા શબ્દોમાં કહ્યું કે પુરુ પાકિસ્તાન ભારતના હુમલાની રેન્જમાં છે અને ભારત પાકમાં જયાં ઈચ્છે ત્યાં હુમલો કરી શકે છે.
લેફ. જનરલ એ કહ્યું કે પાકમાં કોઈપણ અંદરના હિસ્સા સુધી ભારતની પહોંચ છે અને પુરા પાક પર અમો પ્રહાર કરી શકીએ તેટલા શસ્ત્રો ભારત પાસે છે. તેઓએ ઓપરેશન સિંદુરનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ઓપરેશનથી ભારતની તાકાત કેટલી છે તે પ્રદર્શિત થયુ છે.
દેશની ક્ષમતા પર જ અમોએ ફોકસ કર્યુ છે. ભારત પાસે પુરા પાકિસ્તાનમાં કોઈપણ ટાર્ગેટ પર હુમલો કરવાની ક્ષમતા છે અને પુરુ પાકિસ્તાન એ ભારતીય સેનાની રેન્જમા છે.
તેઓએ એક સમાચાર સંસ્થા સાથેની મુલાકાતમાં કહ્યું કે રાવલપીંડી પર ભારતના હુમલા બાદ હવે પાક સેનાનુ વડુ મથક છેક ખૈબરઘાટમાં પહાડી ક્ષેત્રમાં તેઓ ટ્રાન્સફર કરી રહ્યા છે પણ ત્યાં સુધી પણ ભારતથી હુમલો પહોંચી શકે છે.
પાકિસ્તાનનો કોઈપણ ભાગ ભારતના હુમલાથી બચી શકે નહી. ભાજપ સેનાના વાયુ રક્ષા- કોઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા લેફ. જનરલ એ કહ્યું કે ઓપરેશન સિંદુરમાં ભારતે પાકના એરબેઝ પર પ્રહારો કર્યા હતા અને તેના શ્રેષ્ઠ મથકોને ખાસ શસ્ત્રોથી ટાર્ગેટ કરાયા હતા.
હું ફકત એટલું જ કહેવા માંગુ છું કે પાકમાં કોઈપણ ઉંડાઈએ પહોંચવા ભારત પાસે પુરતા હથિયાર છે. અમો પુરા પાકિસ્તાનમાં લડી શકીએ છીએ. તેઓએ કહ્યું કે સેનાની પહેલી ફરજ દેશની અખંડીતતાનું રક્ષણ કરવાની છે તથા દેશના લોકોની સુરક્ષા નિશ્ચિત કરવાનું છે અને ભારતની જમીનને રક્ષવા અમો પુરી રીતે તૈયાર છીએ.