લોગ વિચાર :
દેશમાં કેન્સરના કેસ વધી રહ્યા છે ત્યારે નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, દર 9માંથી એક ભારતીયને કેન્સર થવાનું જોખમ છે, પણ મોટાભાગના કેન્સર વહેલા નિદાન દ્વારા અટકાવી શકાય તેમ છે.
એપોલો હોસ્પિટલ્સના તાજેતરના અહેવાલમાં ભારતને ‘કેન્સરની વૈશ્વિક રાજધાની’ ગણાવાઈ છે. તેમાં જણાવ્યા અનુસાર 2020માં કેન્સરના વાર્ષિક કેસ લગભગ 14 લાખ હતા, જે વધીને 2025માં 15.7 લાખ થવાનો અંદાજ છે.
આરજીસીઆઈઆરસીના નિષ્ણાંત ડો. ઈંદુ અગરવાલે જણાવ્યું હતું કે, ‘ચેતવણીજનક ટ્રેન્ડ કેન્સરના કારણોને શોધવાની તાત્કાલિક જરૂરિયાત અને સરકારના વ્યાપક પગલાં પર ભાર મુકે છે. ભારતમાં કેન્સરનું સૌથી મોટું કારણ તમાકુનો વપરાશ છે. લગભગ 26.7 કરોડ લોકો તમાકુના વ્યસની છે. તેને લીધે મોં, ફેફસાં અને અન્ય કેન્સરનું જોખમ વધે છે.
ખાનપાનની ખોટી ટેવો અને બેઠાડુ જીવનશૈલીને કારણે પણ વિવિધ પ્રકારના કેન્સરની શકયતામાં વધારો થાય છે.’ તેમણે કહ્યું હતું કે, ‘આયુષ્યમાં વૃદ્ધિ અને વૃદ્ધ થઈ રહેલી વસતી પણ કેન્સરના વધતા કેસ માટે જવાબદાર છે. કારણ કે મોટી વયના લોકોમાં વિવિધ પ્રકારના કેન્સરનું જોખમ વધારે છે.
હ્યુમન પેપિલોમાવાઈરસ (એચએચપીવી) તેમજ હિપેટાઈટિસ-બી અને સી સર્વાઈકલ અને લિવરના કેન્સરમાં વધારો કરે છે. એચપીવી અને હિપેટાઈટીસ-બી વેકસીન કેન્સર સંબંધી સંક્રમણ અટકાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કેન્સરની સારવાર માટેની ટેકનોલોજી અંગે નાણાકીય સહાય અને સારવાર પછી યોગ્ય સંભાળ મોટા પ્રમાણમાં દર્દીઓને ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.
જેથી સાજા થનારા દર્દીઓ સારું જીવન જીવી શકે. નિષ્ણાંતોએ તાજેતરના બજેટમાં વધુ ત્રણ કેન્સરની દવાઓને કસ્ટમ્સ ડયુટીમાંથી મુક્તિ આપવાના સરકારના પ્રયાસની પ્રશંસા કરી હતી. જો કે, બિમારી સામે લડવા નિષ્ણાંતોએ લોકોમાં જાગૃતિ પર ભાર મુકયો હતો.
ઉપરાંત, સ્ક્રીનિંગ પ્રોગ્રામ અને કેન્સર રિસર્ચ માટે નાણાકીય સહાયને ખાસ મહત્વ આપ્યું હતું. ડો. અગરવાલે જણાવ્યું હતું કે, ‘વહેલું નિદાન જરૂરી છે. તેની પર ધ્યાન આપીશું તો કેન્સરના કેસની સંખ્યા અને દર્દીઓની સ્થિતિ સુધારવામાં ઘણી મદદ મળશે.’
પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરના ડિરેકટર ડો. પ્રથમેશ પાઈએ જણાવ્યું હતું કે, ‘તાજેતરના બજેટમાં આરોગ્ય પરનો ખર્ચ વધ્યો છે. જેનો હેતુ નવી સારવારને વધુ વાજબી અને લોકો માટે ઉપલબ્ધતાનો છે. જો કે, સ્વસ્થ યોજનાઓના વિસ્તરણ અને ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારા માટે વધુ પ્રયાસ જરૂરી છે.’