ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદનો ખતરો : જાણો સુપર-8નું અનોખું સમીકરણ

લોગ વિચાર :

ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ અમેરિકા પહોંચી ગયા છે. જ્યાં તેણે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયા 1 જૂને ન્યૂયોર્કમાં બાંગ્લાદેશ સામે વોર્મ-અપ મેચ રમશે. આ પછી, પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે થશે. ટીમ ઈન્ડિયાને ગ્રુપ-Aમાં રાખવામાં આવી છે. જ્યાં તેનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. આ શાનદાર મેચ 9 જૂને રમાશે.

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. આ મેચ સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યાથી રમાશે. તે સમયે ભારતમાં રાતના 8 વાગ્યા હશે. વેધર અપડેટ મુજબ, ન્યૂયોર્કમાં સવારે 6 વાગ્યે તડકો રહેશે, પરંતુ જેમ જેમ મેચનો સમય નજીક આવશે તેમ તેમ ભારે વરસાદ આવી શકે છે. સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી હવામાન આવુ રહી શકે છે. હવે જો મેચ નહીં થાય તો સુપર-8નું શું સમીકરણ હશે, ચાલો જાણીએ.

મળતી માહિતી મુજબ વર્લ્ડ કપની લીગ મેચો માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો ગ્રુપ સ્ટેજ અને સુપર 8 સ્ટેજ દરમિયાન વરસાદની સંભાવના હોય તો પરિણામ મેળવવા માટે બંને ટીમોને ઓછામાં ઓછી પાંચ ઓવરની બેટિંગ કરવામાં આવી શકે છે. જ્યારે સેમી ફાઈનલ અને ફાઈનલના પરિણામો માટે દરેકમાં ઓછામાં ઓછી એક ઓવર બેટીંગ કરવાનો વિકલ્પ રાખવામાં આવ્યો છે.

જો વરસાદના કારણે મેચ રદ થાય છે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવી શકે છે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયાને સુપર-8માં જવા માટે દરેક મેચ જીતવી પડશે. જો આ મેચમાંથી એક પોઈન્ટનો ફાયદો થશે તો ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ, અમેરિકા અને કેનેડા સામેની મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. જેના કારણે તેને કુલ 7 પોઈન્ટ મળી શકે છે.

જો ટીમ ઈન્ડિયા કોઈપણ એક મેચમાં હારે છે તો તેને માત્ર પાંચ પોઈન્ટ મળશે. જેના કારણે તેના માટે સુપર-8 સુધી પહોંચવું થોડું મુશ્કેલ બનશે. વાસ્તવમાં, એક ગ્રુપમાં સામેલ 5 ટીમો એકબીજા સામે ટકરાશે. આ રીતે તે વધુમાં વધુ 8 પોઈન્ટ મેળવી શકે છે. જો કોઈ પલટવાર થશે તો ટીમ ઈન્ડિયાને નુકસાન વેઠવું પડી શકે છે. જો ભારતીય ટીમને વરસાદના કારણે તેની એક મેચમાં હારનો સામનો કરવો પડે તો તે વધુમાં વધુ 5 પોઈન્ટ જ બનાવી શકશે. આવી સ્થિતિમાં તેણે કોઈપણ ખતરાને ટાળવા માટે કોઈપણ કિંમતે મેચ જીતવી પડશે.