લોગ વિચાર :
એસ્ટોનિયાનો અને ભારતીય મૂળનો સાહિલ ચૌહાણ T-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર બની ગયો છે. સાહિલે સાઇપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
આ મેચ સોમવારે સાઇપ્રસના એપિસ્કોપીમાં રમાઈ હતી. સાહિલે 41 બોલમાં 144 રનની ઇનિંગ રમી હતી. જેમાં 6 ચોગ્ગા અને 18 છગ્ગાનો સમાવેશ થાય છે. સાહિલની આ ઇનિંગના આધારે એસ્ટોનિયાએ 13 ઓવરમાં 191 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો અને સાઇપ્રસ પર 6 વિકેટે જીત મેળવી હતી.
જેન નિકોલનો 4 મહિના જૂનો રેકોર્ડ તૂટ્યો
સાહિલે ચાર મહિના પહેલા નામિબિયન બેટર જેન નિકોલ લોફ્ટી-ઈટનનો રેકોર્ડ તોડ્યો હતો. જેન નિકોલ લોફ્ટી-ઈટને ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં નેપાળ સામે માત્ર 33 બોલમાં તેની સદી પૂરી કરી હતી.
તેણે 36 બોલમાં 101 રન બનાવ્યા હતા. ઈટનની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે 280.55ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા
સાહિલે ગેઈલનો IPL રેકોર્ડ પણ તોડ્યો
પોતાની શાનદાર બેટિંગથી સાહિલે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટર ક્રિસ ગેલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. 2013 IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી રમતા ગેલે પુણે વોરિયર્સ સામે માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી.
તેણે ભારતીય વિકેટકીપર બેટર રિષભ પંતને પણ પાછળ છોડી દીધો, જેણે 2018માં દિલ્હી તરફથી રમતી વખતે હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી.