લોગવિચાર :
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગણેશ ચતુર્થીના અવસર પર 342 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. ભારતીય રેલવે આવતા મહિને 7મી સપ્ટેમ્બરથી શરૂ થતા ગણપતિ ઉત્સવના અવસર પર આ વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. ગણપતિ તહેવાર નિમિત્તે મુંબઈથી મોટી સંખ્યામાં લોકો કોંકણ જાય છે, જેના કારણે વધારાની ટ્રેન સેવાની જરૂર પડે છે.
શરૂઆતમાં 300 વધારાની ટ્રેનોની માંગ હતી પરંતુ હવે ભીડને જોતા રેલ્વેએ આ ટ્રેનોની સંખ્યા વધારીને 342 કરવાનો નિર્ણય લીધો છે.
ગણેશ ઉત્સવના અવસર પર ચલાવવામાં આવનારી આ વિશેષ ટ્રેનોની જાહેરાત મુંબઈના બાંદ્રા ટર્મિનલથી ગોવાના મડગાંવ સુધી ચાલનારી નવી દ્વિ-સાપ્તાહિક (અઠવાડિયામાં બે દિવસ) ટ્રેન સેવાના પ્રારંભ સમયે કરવામાં આવી હતી . આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને સ્થાનિક સાંસદ પીયૂષ ગોયલ પણ હાજર હતા. આ નવી દ્વિ-સાપ્તાહિક સેવા મુંબઈના પશ્ચિમી ઉપનગરો અને કોંકણ ક્ષેત્ર વચ્ચે કનેક્ટિવિટી સુધારશે.
ફેસ્ટિવલમાં લોકોની હાજરી ઉપરાંત, રેલ્વે મંત્રી વૈષ્ણવે મુંબઈના ઉપનગરીય રેલ નેટવર્કમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા પર પણ ભાર મૂક્યો હતો. 16,240 કરોડના ખર્ચે પૂર્ણ થનારા 12 મોટા પ્રોજેક્ટ્સથી મુસાફરોને ઘણા લાભો મળશે. આ મોટા પ્રોજેક્ટ્સમાં CSMT-કુર્લા 5મી અને 6મી લાઇન, મુંબઈ સેન્ટ્રલ-બોરીવલી 6ઠ્ઠી લાઇન અને પનવેલ-કર્જત ઉપનગરીય કોરિડોરનો સમાવેશ થાય છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના રેલવે નેટવર્ક માટે 2024-25નું બજેટ વધારીને 15,940 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે 2014માં તે માત્ર 1,71 કરોડ રૂપિયા હતી. છેલ્લા દાયકામાં, રાજ્યમાં 1830 કિલોમીટરના નવા ટ્રેક નાખવામાં આવ્યા છે, જે શ્રીલંકાના કુલ રેલ્વે નેટવર્ક કરતાં વધુ છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (CSMT) અને 318 રેલવે ફ્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ મહારાષ્ટ્રના રેલ માળખાને વધુ વેગ આપશે.