ભારતીય મૂડી બજારમાં ઈતિહાસ રચાશે : હ્યુન્ડાઈનો રૂ. 25000 કરોડનો IPO મંજૂર

લોગવિચાર :

મુંબઈ શેરબજારમાં વન-વે તેજી પ્રાયમરી માર્કેટમાં કરોડો-અબજોના રોકાણ વચ્ચે હવે બે નવા મોટા આઈપીઓના ઢોલ વાગ્યા છે. ઓટોમોબાઈલ્સ કંપની હુંડાઈ મોટર્સનાં 25000 કરોડ તથા સ્વીગીનાં 12000 કરોડના આઈપીઓને સેબીએ મંજુરી આપી દીધી છે. એકાદ મહિનામાં તેના ઈસ્યુ આવી શકે છે.

પ્રાયમરી માર્કેટમાં નવી નવી કંપનીઓનાં આઈપીઓનો રાફડો છે તેવા સમયે સેબીએ હુંડાઈ મોટર્સનાં ઓફર-ફોર-સેલ (ઓએફએસ)ના હેડ હેરીંગ પ્રોસ્પેકટસને મંજુરી આપી છે. ઓકટોબરમાં ઈસ્યુ આવી શકે છે. કંપનીએ ગત જુનમાં સેબી સમક્ષ પ્રોસ્પેકટસ ફાઈલ કર્યું હતું.25000 કરોડનો આ આઈપીઓ ભારતીય મૂડીબજારમાં રેકોર્ડ સર્જશે.

આટલી મોટી રકમ ઉઘરાવનાર પ્રથમ કંપની બનશે. આ પૂર્વે 21008 કરોડના એલઆઈસીનાં ઈસ્યુનો રેકોર્ડ હતો.આ ઉપરાંત પેટીએમે નવેમ્બર 2021 માં 18000 કરોડ ઉઘરાવ્યા હતા. અન્ય મોટા ઈસ્યુમાં કોલ ઈન્ડીયાનો 10199 કરોડ તથા ફેબ્રુઆરી 2008 રીલાયન્સ પાવરનો 11563 કરોડનો હતો.

હુંડાઈ મોટર્સનો આ ઈસ્યુ ઓફર ફોર સેલ હશે અને કંપની કોઈ નવા શેર ઈસ્યુ કરનાર નથી ઈસ્યુ મારફત કંપની 17 ટકા ઈકવીટી વેચશે. 17 ટકા ઈકવીટી વેચાણ મારફત 3 અબજ ડોલરનાં ઓએફએસનાં આધારે કંપનીનું વેલ્યુએશન 18 અબજ ડોલર અર્થાત 1.5 લાખ કરોડ થવા જાય છે. હાલ ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતીનું માર્કેટ કેપ 4 લાખ કરોડ છે. મહિન્દ્રાનું 3.8 લાખ કરોડ તથા ટાટા મોટર્સનું 3.6 લાખ કરોડ છે.

હુંડાઈ દ્વારા આઈપીઓ પૂર્વે વિસ્તરણ યોજનાનો સંકેત આપવામાં આવ્યો જ છે. 2025 સુધીમાં ઉત્પાદન ક્ષમતા 10 લાખ કારની કરશે અને એફોર્ડેબલ ઈલેકટ્રીક કાર ઉત્પાદન પર ધ્યાન ફોકસ કરશે. કંપની ભારતમાં 32000 કરોડનું રોકાણ કરશે. ભારતમાં 2023 માં મારૂતીનાં આઈપીઓ પછી કાર ઉત્પાદક કંપનીનો આ પ્રથમ આઈપીઓ હશે.

સ્વીગીના આઈપીઓ પૂર્વે જ અમિતાભ, દ્રવીડ સહીતની સેલીબ્રીટીઓનુ રોકાણ
ફૂડ ડીલેવરી કંપની સ્વીગીનો આઈપીઓ આગામી દિવસોમાં આવી રહ્યો છે તે પૂર્વે જ બોલીવુડથી માંડીને રમત જગત સુધીની સેલીબ્રીટી તથા અનેક મોટા ઈન્વેસ્ટરોએ તેમાં અગાઉથી જ રોકાણ કરી દીધુ છે.

સુત્રોના કહેવા પ્રમાણે અમિતાભ બચ્ચન, માધુરી દિક્ષિત, રીતેશ મલીક, કરણ જોહર, રાહુલ દ્રવીડ, ઝાહીરખાન, ટેનિલ ખેલાડી રોહન બોપન્ના, વગેરેએ સ્વીગીમાં રોકાણ કર્યું છે.આઈપીઓ પૂર્વે જ સ્વીગીના શેર અનલીસ્ટેડ માર્કેટમાં એકટીવ છે અને 2 લાખ કરતા વધુ શેરો વ્યકિતગત ઈન્વેસ્ટરોએ ખરીદ કરી લીધા છે.