લોગવિચાર :
વિશ્વની સાથોસાથ ભારતમાં બદલાતી લાઈફ સ્ટાઈલથી બચતનું મહત્વ ઘટી રહ્યાની માન્યતા વચ્ચે હજુ ભારત બચતની દ્રષ્ટિએ વિશ્વમાં ચોથા ક્રમે છે. એટલુ જ નહિં ભારતીયોની બચત વૈશ્વિક સરેરાશ કરતાં 28.2 ટકા વધુ હોવાનું રીપોર્ટમાં જાહેર થયુ છે. દુનિયામાં સૌથી વધુ બચત ધરાવતો દેશ ચીન છે ભારત કરતા ઈન્ડોનેશીયા તથા રશીયા પણ આગળ છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાનાં રીપોર્ટમાં એવુ પણ રસપ્રદ તારણ સામે આવ્યું છે કે બેંક જેવા ક્ષેત્રોનાં બદલે બચતનાં નાણા શેરબજારમાં રોકવાનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે.
બચતના મામલામાં ભારત વિશ્વના દેશોમાં ચોથા ક્રમે છે. ભારતીય પરિવારોની બચતમાં ચોખ્ખી નાણાંકીય બચતનો હિસ્સો વધી રહ્યો છે.
નાણાંકીય બચતમાં બેંક ડિપોઝિટ અને ચલણનો હિસ્સો પણ ઘટી રહ્યો છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને રોકાણના નવા વિકલ્પો ઝડપથી ઉભરી રહ્યા છે. ભારતમાં વધુને વધુ લોકોને બેંકિંગ સહિતની નાણાંકીય સુવિધાઓ સાથે જોડવામાં મોટો સુધારો થયો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. જેમ કે, પરિવારોની કુલ બચતમાં નાણાંકીય બચતનો હિસ્સો (દા.ત. શેર, ડિબેન્ચર) 2014માં 36% હતો, જે 2024માં વધીને 52% થવાની ધારણા છે. જોકે, 2022-23માં તેમાં થોડો ઘટાડો થયો હતો.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, 2021થી દર વર્ષે સરેરાશ 3 કરોડ ડીમેટ ખાતા ખોલવામાં આવી રહ્યા છે. આમાં 30 વર્ષથી ઓછી ઉંમરના યુવા રોકાણકારોનો હિસ્સો 40% છે. આજે દર ચાર રોકાણકારોમાંથી એક મહિલા છે. મહારાષ્ટ્રમાં 27.7% રોકાણકારો અને દિલ્હીમાં 29.8% રોકાણકારો મહિલાઓ છે. વધુમાં, 2014માં શેર્સ અને ડિબેન્ચરમાં પરિવારોનું રોકાણ જીડીપીના 0.2% હતું, જે 2024માં વધીને 1% થયું હતું.