મોંઘવારી...માત્ર હોટલ-રેસ્ટોરન્ટ જ નહીં; ઘરે બનાવેલી વેજ થાળીની કિંમતમાં પણ 20 ટકાનો વધારો

લોગવિચાર :

ફૂગાવાના સરકારી આંકડા ભલે નીચા આવતા હોય પરંતુ વાસ્તવિક મોંઘવારી આસમાને છે.હોટેલ-રેસ્ટોરામાં જ નહીં પરંતુ ઘરમાં બનતુ ભોજન પણ 20 ટકા મોંઘુ થઈ ગયુ છે.રેટીંગ એજન્સી ક્રિસીલનાં અહેવાલ મુજબ ઘરમાં બનતી વેજ થાળી એક વર્ષમાં 20 ટકા તથા નોન-વેજ થાળી પાંચ ટકા મોંઘી થઈ છે અને તે માટે શાકભાજી સહીતની ખાદ્યચીજોના ઉંચા ભાવ જવાબદાર છે.

રીપોર્ટમાં જણાવાયા મુજબ ઓકટોબરમાં જ ડુંગળીમાં વાર્ષિક ધોરણે 46 ટકા તથા ટમેટામાં 51 ટકાનો ભાવ વધારો છે.સપ્ટેમ્બરનાં ભારે વરસાદથી પાક બગડતા આ સ્થિતિ છે.વેજીટેબલ થાળીનો 40 ટકા ખર્ચ શાકભાજી આધારીત છે. મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં ભારે વરસાદથી પાકને અસર હતી બટેટાનાં સ્ટોકમાં પણ ઘટાડો થયો હતો.
ડુંગળી, બટેટા તથા ટમેટામાં વિવિધ કારણોસર મોટો ભાવ વધારો થયો હતો.

ગત વર્ષનાં ઓકટોબરમાં 29 રૂપિયાના કિલો ટમેટા આ ઓકટોબરમાં સરેરાશ 64 હતા.મહારાષ્ટ્ર, કર્ણાટક, તથા આંધ્રપ્રદેશમાં ઉત્પાદનને ફટકો હતો. હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા હિમાચલની આવકોથી ભાવ સ્થિર થવાની સંભાવના છે.

દેશના દરેક ભાગોની કિંમત મેળવીને સરેરાશ ભાવ નકકી કરવામાં આવ્યા હતા. વેજ થાળીમાં રોટી, શાકભાજી, દાળ-ભાત દહી તથા સલાડને ગણતરીમાં લેવામાં આવે છે.

રીપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, વર્ષ દરમ્યાન રાંધણ ગેસનાં ભાવમાં થોડી રાહત હતી અન્યથા થાળીની કિંમત વધુ ઉંચી થવાની શંકા હતી.