લોગવિચાર :
મેટાએ ઈંસ્ટાગ્રામ પર 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે વધુ સારી પ્રાઈવસી અને સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરવા માટે ઈંસ્ટાગ્રામને અપગ્રેડ કર્યું છે. આ ઉપરાંત, કંપનીએ પેરેંટલ કંટ્રોલ પણ રજૂ કર્યું છે, એટલે કે, હવે બાળકોનાં એકાઉન્ટનું નિયંત્રણ તેમનાં માતાપિતા પાસે રહેશે.
સગીરોના એકાઉન્ટ્સ ડિફોલ્ટ રૂપે હશે
ઈંસ્ટાગ્રામએ કહ્યું છે કે હવે 18 વર્ષથી ઓછી ઉંમરનાં તમામ યુઝર્સના એકાઉન્ટ્સ ’ ટીન એકાઉન્ટ્સ’ માં રૂપાંતરિત થશે, જે ડિફોલ્ટ રૂપે ખાનગી હશે. તેનો ફાયદો એ છે કે ફક્ત તે જ લોકો આ એકાઉન્ટના યુઝર્સનો સંપર્ક કરી શકે છે જેમને તે ફોલો કરે છે અને પરમીશન આપે છે.
પેરેંટલ કંટ્રોલ ટૂલ
આ સિવાય 16 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ તેમનાં માતાપિતાની પરવાનગીથી જ ડિફોલ્ટ સેટિંગ્સ બદલી શકશે. મેટાએ એક નવું મોનિટરિંગ ટૂલ પણ બહાર પાડ્યું છે.જેની મદદથી પેરન્ટસ પોતાનાં બાળકનાં એકાઉન્ટને કંટ્રોલ કરી શકશે અને જોઈ શકશે કે તે ઈન્સ્ટાગ્રામ પર કેટલો સમય વિતાવે છે.
મજબૂરીમાં લેવો પડ્યો નિર્ણય
સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવ અંતર્ગત મેટા, બાઈટડાન્સના ટિક ટોક અને ગુગલનું યુ ટ્યુબ પહેલેથી જ સેંકડો કેસોનો સામનો કરી રહ્યાં છે, જે બાળકોના માતાપિતા , શાળાઓ અને જિલ્લાઓ તરફથી દાખલ કરવામાં આવ્યાં હતાં, જે સોશિયલ મીડિયાના વ્યસનના કેસો છે. ગયાં વર્ષે, કેલિફોર્નિયા અને ન્યૂયોર્ક સહિત અમેરિકાનાં 33 રાજ્યોએ સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવ બદલ કંપનીઓ પર કેસ કર્યા હતાં.
અમેરિકન સેનેટે પાસ કર્યો કાયદો
આ વર્ષે જુલાઈમાં, યુએસ સેનેટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક સહિતના મુખ્ય પ્લેટફોર્મ્સ પર 13 વર્ષ અને તેથી વધુ વયનાં વપરાશકર્તાઓને સાઇન અપ કરવા માટે બે ઑનલાઇન સુરક્ષા બિલ પસાર કર્યા છે ધ કીડસ ઓનલાઇન સેફ્ટી એકટ અને ચિલ્ડ્રન એન્ડ ટીન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ. આ બિલ સોશિયલ મીડિયા કંપનીઓને બાળકો અને કિશોરો પર તેમનાં પ્લેટફોર્મ શું અસર કરે છે તે નક્કી કરવા માટે દબાણ કરશે.
નવા અપડેટ પછી, 18 વર્ષથી ઓછી ઉંમરના ઈંસ્ટાગ્રામ યુઝર્સને દરરોજ 60 મિનિટ પછી એપ્લિકેશન બંધ કરવાની સૂચના મળશે. એકાઉન્ટ્સમાં ડિફોલ્ટ સ્લીપ મોડ હશે, જે રાત્રે એપને બંધ કરી દેશે.