લોગ વિચાર :
હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમમાં થતા વિલંબને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમની પ્રક્રિયાને ઝડપી બનાવવા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાના હેતુ સાથે એક પોર્ટલ શરૂ કરવામાં આવશે. જેનો લાભ દર્દીઓ, ઈન્સ્યોરન્સ કંપનીઓ અને હોસ્પિટલોને થશે.
ઈન્સ્યોરન્સ ક્લેમની ઝડપી પતાવટ માટે નેશનલ હેલ્થ ક્લેમ્સ એક્સચેન્જ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ વન પોર્ટલની સાથે દેશની આશરે 50 ઈન્સ્યોરન્સ કંપનીઓ અને 250 મોટી હોસ્પિટલ પણ જોડાશે.
IRDAIને અગાઉ અનેક ફરિયાદો મળી છે કે, હેલ્થ ઈન્સ્યોરન્સ માટેનો ક્લેમ દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાની ઘડી આવી જાય તો પણ સેટલ થતો નથી. આ સમસ્યાને ધ્યાનમાં લેતાં નેશનલ હેલ્થ ઓથોરિટીએ આ પોર્ટલ તૈયાર કર્યું છે.
જો પોર્ટલ સફળ રહ્યુ તો દેશની હેલ્થ ઈન્સ્યોરન્સ ઈકોસિસ્ટમમાં મોટો ફેરફાર આવશે. હાલ એક હોસ્પિટલને પોતાની વેબસાઈટ પર 50થી વધુ વીમા કંપનીઓના ક્લેમ તૈયાર કરવાની પ્રોસેસ કરવી પડે છે. જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દી જુદી-જુદી ઈન્સ્યોરન્સ કંપનીઓ સાથે જોડાયેલા હોવાથી તે કંપનીઓની વેબસાઈટ પર દર્દીના ક્લેમની પ્રોસેસ કરવાની હોય છે.
જેના માટે તમામ હોસ્પિટલોએ વિવિધ કંપનીઓની વેબસાઈટ સાથે જોડાયેલા રહેવુ પડે છે. સરકારના આ પ્લેટફોર્મથી એક જ સ્થળે તમામ કંપનીઓ અને હોસ્પિટલો ઉપલબ્ધ હોવાથી ક્લેમના સેટલમેન્ટ ઝડપી બનશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે IRDAI સાથે મળી આ પહેલને વેગ આપ્યો છે. આ ડિજિટલ હેલ્થ ક્લેમ પ્લેટફોર્મની મદદથી વીમા કંપનીઓના ખર્ચમાં ઘટાડો થશે. તેમજ પોલિસીધારકોનો ક્લેમ ઝડપથી સેટલ થશે.
વધુમાં સરકારને માહિતી મળશે કે, કઈ કંપની ક્લેમ સેટલ કરવામાં વિલંબ કરે છે, કઈ કંપની ઝડપી ક્લેમ ક્લિયર કરે છે. પોલિસી ધારક પોતાના ક્લેમનું સ્ટેટસ ઓનલાઈન ટ્રેક કરી શકશે.