મુંબઈમાં આતંકી હુમલાની ઈન્ટેલિજન્સ એલર્ટ : પોલીસ એલર્ટ

લોગવિચાર :

આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં યોજાનારી ધારાસભા ચૂંટણી અને તહેવારોની મોસમ બન્ને વચ્ચે મહાનગરમાં ત્રાસવાદી હુમલાની ચેતવણી મળતા જ પોલીસ એલર્ટ થઇ ગઇ છે અને મહાનગરમાં સુરક્ષાના વધારાના બંદોબસ્ત લાદી દેવાયા છે.

ગુપ્તચર એજન્સીએ મુંબઇમાં ધાર્મિક સ્થળો સહિતના ટાર્ગેટ પર ત્રાસવાદીઓ ત્રાટકી શકે છે તેવી ચેતવણી સાથે ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા
વ્યવસ્થા વધારવા સલાહ આપી છે અને હાલમાં જ જે વકફ બોર્ડ સહિતના વિવાદ છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે તેથી રાષ્ટ્રીય સહિતના નેતાઓના પ્રવાસ પણ વધી રહ્યા છે. તે વચ્ચે વ્યસ્ત પોલીસને માટે નવો પડકાર સર્જાયો છે. મુંબઇ પોલીસે ગઇકાલથી જ એક-એક વિસ્તારોમાં ખાસ મોકડ્રીલ યોજીને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. દસ દિવસના ગણેશ ચર્તુર્થી મહોત્સવ બાદ હવે અહીં દુર્ગા પૂજા-રાસોત્સવ અને દિવાળીના તહેવારોમાં મહાનગરોમાં ભારે ભીડ સર્જાય તેવી ધારણા છે.

ઉપરાંત મંદિરો અને ધર્મસ્થાનો પર લોકોનો પ્રવાહ ઉમટે તેવી શક્યતા છે. તે વચ્ચે મુંબઇ પોલીસે ગઇકાલે ક્રાફર્ડ માર્કેટમાં એક મોટી મોકડ્રીલ યોજી હતી તથા રોડ પરના દબાણો પણ દૂર કર્યા હતા અને છેક અંદર સુધી પોલીસ વાન પહોંચી શકે તે નિશ્ચિત કર્યું છે. મહાનગરપાલિકાને આ અંગે સાથે રાખીને સમગ્ર મુંબઇમાં આ પ્રકારે ઓપરેશન શરુ કરાયું છે.

જેમાં અનેક સ્થળોએ લોકોના અવર-જવરને નિયંત્રીત કરવા માટે બેડીકેડ પણ નાખી દેવામાં આવી છે અને માર્ગો પર પાર્કિંગ સહિતની વ્યવસ્થાને વ્યવસ્થિત બનાવી કોઇપણ સમયે કોઇપણ એકશનમાં ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે જોવા નિશ્ચિત કરાયું છે.

એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોલ વગેરે સ્થળોએ ચકાસણી વ્યવસ્થા વધારી દેવાઇ છે અને દરેક ઝોનમાં ડીસીબીને આ અંગે ખાસ સુચના આપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડને પણ એલર્ટ કરી દેવાઇ છે.