વર્લ્ડ કપના ભારત-પાકિસ્તાન T-20 મેચમાં 'લોન વુલ્ફ' પર હુમલો કરવાની ISની ધમકી

લોગ વિચાર :

ન્યુયોર્ક અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુકત રીતે રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ જ ગયું છે તેવા સમયે ખતરનાક આતંકવાદી સંગઠન આઇએસ (ઇસ્લામીક સ્ટેટ) દ્વારા ભારત-પાકિસ્તાન મેચ વખતે ‘લોન વુલ્ફ’ હુમલો કરવાની ધમકી આપતો વિડીયો વાયરલ કરતા ખળભળાટ સર્જાયો છે. ન્યુયોર્ક પોલીસ સ્તબ્ધ બની છે અને  તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રહેવાના આદેશો કરવામાં આવ્યા છે.

ટી-20 વર્લ્ડ કપની શરૂઆત 2 જુનથી થવાની છે છતાં સૌથી મોટો અને દિલધડક મહામુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાનો છે અને તેના પર જ આખા દુનિયાના ક્રિકેટરસીયાઓની નજર રહેતી હોય છે. 9 જુને યોજાનારા આ મહામુકાબલા પર આતંકી હુમલાનો ઓછાયો ઉભો થયો છે.

આતંકવાદી સંગઠન આઇએસ દ્વારા વિડીયો જારી કરીને લોન વુલ્ફ હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેનો આ મેચ ન્યુયોર્કના  નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડીયમમાં રમાવાનો છે.

બ્રિટીશ મીડિયાના રીપોર્ટ પ્રમાણે આતંકવાદી સંગઠનો ભારત-પાકિસ્તાન મેચ ઉપરાંત લંડન સ્થિત વેમ્બલે ફુટબોલ સ્ટેડીયમ ઉપરાંત યુરોપના અનેક રમત-ગમતના મેદાનોને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. આઇએસ દ્વારા જારી કરાયેલા ધમકી આપતા વિડીયોમાં ન્યુયોર્કના નાસાઉ સ્ટેડીયમની તસ્વીર પણ રજુ કરવામાં આવી છે અને સ્ટેડીયમ ઉપર ડ્રોન વિમાનો ઉડતા હોવાનું દેખાડવામાં આવ્યું છે.

આ વિડીયોમાં 9-6-2024નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દિવસે સ્ટેડીયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપનો મેચ યોજાવાનો છે.  નાસાઉ કાઉન્ટીના પોલીસ વડા પેટ્રીક રાઇડરે જણાવ્યું હતું કે ત્રાસવાદી સંગઠને વાયરલ વિડીયોમાં લોન વુલ્ફ હુમલાની ધમકી આપી છે.

લોન વુલ્ફ એ ત્રાસવાદી સંગઠન સાથે સંકળાયેલા ત્રાસવાદી હોય છે જેઓ સંગઠનની મંજૂરી મેળવીને સ્વતંત્ર રીતે હુમલાનું ષડયંત્ર કરીને તેને અંજામ આપે છે. આ પ્રકારના આતંકવાદીઓની શોધખોળ પણ ઘણી મુશ્કેલ હોય છે.

તેમણે કહ્યું કે, ધમકીના પગલે સ્ટેડીયમ પર વધારાની સુરક્ષા કુમકો તૈનાત કરી દેવામાં આવી છે. લોકોની જાનમાલની સુરક્ષાની વાત હોય ત્યારે તંત્ર કોઇપણ જોખમ નહીં લે અને અત્યંત ઝીણવટભરી તપાસ કરશે. દક્ષિણ અને મધ્ય એશીયામાં સક્રિય ઇસ્લામીક સ્ટેટ સંગઠન દ્વારા ચેટ ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં ધમકી વિશે કોઇ વધુ  ફોડ પાડવામાં આવ્યો નથી.

પોલીસ વડાએ કહ્યું કે, હજારોની સંખ્યામાં જયાં લોકો ઉમટવાના હોય ત્યાં હુમલાની ધમકીને જરાય હળવાશથી લઇ ન શકાય આ પૂર્વે એપ્રિલમાં પણ આઇએસ દ્વારા જ ધમકી આપવામાં આવી હતી પરંતુ ત્યારે સ્થળ દર્શાવ્યું ન હતું. આ વખતના વિડીયોમાં સ્ટેડીયમની તસ્વીર રજુ કરવામાં આવી છે અને તારીખ પણ દર્શાવી છે અને આ તારીખે  ભારત-પાકિસ્તાન વચ્ચેનો મેચ છે.

અમેરિકી વહીવટી તંત્રના સુત્રોએ કહ્યું કે, ત્રાસવાદી સંગઠનની ધમકીને પહોંચી વળવા અને કોઇપણ સ્થિતિનો સામનો કરવા માટે સુરક્ષા એજન્સીઓ સક્ષમ છે. ન્યુયોર્કના ગવર્નરે કહ્યું કે રાજયની પોલીસને એલર્ટ રહેવા અને લોખંડી સુરક્ષા ગોઠવવાની સૂચના આપવામાં આવી છે. મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરવા શહેરના તમામ સ્થળોએ વોચ રાખવા અને સ્ક્રીનીંગ પ્રક્રિયા વધુ કડક બનાવવાની તાકીદ કરવામાં આવી છે.

પરિસ્થિતિને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને મેચમાં સામેલ થનારા તમામે તમામ લોકો સુરક્ષિત રહે તેની કાળજી લેવામાં આવી રહી છે. જરૂર પડયે નોફલાય ઝોન પણ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નાસાઉ સ્ટેડીયમમાં 30 હજાર લોકો બેસીને મેચ નિહાળી શકે છે તેવી ક્ષમતા છે.