લોગવિચાર :
ભારતની સ્પેસ એજન્સી ઈસરો આજે રાત્રે શ્રીહરિકોટાથી બે સેટેલાઇટ લોન્ચ કરશે. આ સેટેલાઈટ ડોકીંગ અને અનડોકિંગ એટલે કે જોડાવું અને અલગ કરવાનું પ્રદર્શન કરશે.
આ મિશન પછી ભારત, અમેરિકા, રશિયા અને ચીન પછી આ ટેક્નોલોજી મેળવનાર ચોથો દેશ બની જશે. ઈસરોનું રોકેટ પીએસએલવી એસડીએક્સ01 અને એસડીએક્સસી-2 નામનાં બે ઉપગ્રહોને અવકાશમાં લઈ જશે.
આ સ્પેસ ડોકીંગ પ્રયોગ જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં હાથ ધરવામાં આવશે. અવકાશમાં બે ઉપગ્રહો અથવા સાધનોને જોડીને નવી રચના બનાવવાની આ પ્રક્રિયા છે. તેનાથી ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ મળશે.
આ જ ટેક્નોલોજીનો ઉપયોગ અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન પર મોકલવા માટે થાય છે. કેપ્સ્યુલ જેમાં અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન સાથે ડોક્સ એટલે કે જોડાણ કરે છે. મિશનનો બીજો ઉદ્દેશ એ સાબિત કરવાનો છે કે ડોક કરેલાં ઉપગ્રહો વચ્ચે પાવર કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય ?. ભવિષ્યનાં સ્પેસ રોબોટિક્સ અને સ્પેસ ઓપરેશન્સને નિયંત્રિત કરવા માટે આ મહત્વપૂર્ણ રહેશે.
ઉપગ્રહ અને પેલોડ શું કાર્ય કરશે ?
ડોકીંગ અને અનડોકિંગ બાદ આ ઉપગ્રહો બે વર્ષ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં કાર્યરત રહેશે. આ ઉપગ્રહોનું કામ અલગ-અલગ હશે, જેમ કે ફોટોગ્રાફ્સ લેવા, પૃથ્વીનાં સંસાધનોની માહિતી એકઠી કરવી અને અન્ય વૈજ્ઞાનિક કાર્યો કરવા. આ પેલોડ્સ ઉચ્ચ-રિઝોલ્યુશન તસ્વીરો કેપ્ચર કરશે, કુદરતી સંસાધનોનું નિરીક્ષણ કરશે, વનસ્પતિનો અભ્યાસ કરશે અને અવકાશમાં રેડિયેશનને માપશે.