લોગ વિચાર :
ભારતના મહાન બેટસમેન સચીન તેંડુલકરે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ વજનવર્ગ કુસ્તીમાં ફાઈનલમાં પહોંચ્યા બાદ 100 ગ્રામ વજનને લીધે ડિસકવોલીફાય રહેલી રેસલર વિનેશ ફોગાટ અંગેના નિર્ણયની ટીકા કરતા તેને સિલ્વર મેડલની હકકદાર ગણાવી હતી.વિનેશ ફોગાટ 50 કિલોગ્રામ વર્ગની કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેચ પૂર્વે આંશિક વધુ વજનને લીધે અયોગ્ય કરી હતી.
વિનેશ ફોગાટે આ મુદ્દે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે અને તેણે સંયુકત સિલ્વર મેડલની હકકદાર ગણવાની માંગ કરતી અપીલ કરી છે. વિનેશ અને ભારતીય ઓલિમ્પિક સંઘના વકીલ તરીકે હરિશ સાલ્વે અને વિદુષ્પત સિંઘાનીયા કેસ લડશે. કોર્ટ ઓફ આર્બીટે્રશન ફોર સ્પોર્ટનાં એડ હોક ડિવીઝન દ્વારા વિનેશની અરજીને રજીસ્ટર કરી છે અને કેસની સુનાવણી એનાબેલ બેનેટ કરશે.
વિનેશને ફાઈનલમાં રમવા અયોગ્ય ઠેરવવામાં આવતા તેના માટે લોકો સહાનુભુતિ વ્યકત કરી રહ્યા છે. માસ્ટર બ્લાસ્ટરે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટમાં જણાવ્યુ કે, દરેક રમતમાં નિયમો હોય છે અને તે નિયમોને સંદર્ભમાં જોવાની જરૂર છે.કદાચ તેમાં સમયાંતરે બદલાવનો પણ અવકાશ રહેતો હોય છે.
વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીની ફાઈનલમાં નિષ્પક્ષતાથી કવોલીફાઈ થઈ હતી. વધુ વજનને લીધે તે ફાઈનલ પૂર્વે અયોગ્ય ઠરી હતી તેથી તેની પાસેથી સિલ્વર મેડલ છીનવી લેવાનો નિર્ણય તર્ક અને રમતની સમજથી બહાર છે.
વિનેશ ફોગાટે ઓલિમ્પિકસમાં ફાઈનલમાં કવોલિફાઈ કર્યુ તે પૂર્વે કવાર્ટર ફાઈનલમાં જાપાનની ઓલિમ્પિક ચેમ્પીયન યુઈ સુસાકી સામે તથા સેમીફાઈનલ મેચમાં વિજય મેળવ્યો હતો.તેંડૂલકરે સ્વીકાર્યું હતું કે વિનેશ પરિસ્થિતિમાં અયોગ્ય ઠરી તેને જોતા તે સિલ્વર મેડલ માટેની હકકદાર છે.
જો કોઈ ખેલાડી અનૈતિક વસ્તુનો ઉપયોગ કરે છે તો તેને અયોગ્ય જાહેર કરવો યોગ્ય છે પરંતુ વિનેશનાં મામલામાં આવુ થયુ નથી. જો કોઈ એથ્લેટને સુધારવા માટેની દવાઓનું સેવન કરે છે.તો તેને અયોગ્ય ઠેરવી શકાય છે. આ સ્થિતિમાં તેને મેડલથી સન્માનીત ના કરવુ અને છેલ્લા ક્રમે રાખવુ યોગ્ય ગણાશે. તેમ સચીન તેંડુલકરે વધુમાં જણાવ્યું હતું.
વિનેશે બે મુકાબલામાં બે રેસલરને હરાવ્યા હતા અને ટોપ ટુમાં તે પહોંચી હતી. જેથી તે સિલ્વર મેડલ મેળવવા હકકદાર છે. તેમ માસ્ટર બ્લાસ્ટરે વિનેશનો પક્ષ લેતા જણાવ્યું હતું. સચીને આશા વ્યકત કરી હતી કે કોર્ટ ઓફ આર્બિટેશન ફોર સ્પોર્ટનો ચુકાદો વિનેશની તરફેણમાં આવે. વિનેશને ભારત જ નહિં પરંતુ વિદેશમાંથી પણ સમર્થન પ્રાપ્ત થયુ છે.