લોગવિચાર :
જમ્મુ કાશ્મીરમાં યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણીમાં આજના મતદાનથી હવે રસપ્રદ સ્થિતિ સર્જાઇ છે અને રાજ્યમાં બહુ પાંખીયો જંગ હોવાથી ત્રિશંકુ વિધાનસભાની શક્યતા દર્શાવાઇ છે. ધ ઇન્ડીયન એક્સપ્રેસના રીપોર્ટ મુજબ આ આજે જે 24 બેઠકોમાં મતદાન થઇ રહ્યું છે તેમાં ખાસ કરીને ભાજપે પ્રથમ વખત ખીણ ક્ષેત્રમાં મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી છે અને તે રીતે મોટો દાવ ખેલ્યો છે.
કુલ 23.27 લાખ મતદારો 219 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. જેમાં પ્રાથમિક અંદાજ મુજબ પીડીપીનો હાથ ઉપર રહે તેવી ધારણા છે. આજે જે 24 બેઠકો માટે મતદાન યોજાઇ રહ્યું છે તેમાં 8 બેઠકોનું નવું સરથી સિમાંકન કરવામાં આવ્યું છે અને તેના કારણે પરિણામ વધુ રસપ્રદ બને તેવી ધારણા છે.
2014ની ચૂંટણીમાં આ બેઠકોમાં મહેબુબા મુફ્તીના નેતૃત્વ હેઠળ પીપલ્સ ડેમોક્રેટી પાર્ટીને 14 બેઠકો મળી હતી. જો કે હાલમાં જે લોકસભા ચૂંટણી યોજાઇ અને તેમાં આવેલા પરિણામને ધ્યાનમાં લઇએ તો કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું જોડાણ 19 બેઠકો પર આગળ રહ્યું છે. અને તેથી જ સમગ્ર સ્પર્ધા રસપ્રદ બની રહેશે તેવી ધારણા છે.
જમ્મુ ક્ષેત્રમાં જો કે ભાજપને 9માંથી 4 બેઠકો મળવાની આશા છે. ખાસ કરીને ખીણ ક્ષેત્રમાં કલમ 370 નાબૂદી બાદ જે સ્થિતિ છે તેમાં પ્રથમ વખત આ વિસ્તારના લોકો પોતાનો અભિપ્રાય આપશે. અને તેથી જ કેન્દ્ર સરકારના નિર્ણયને મંજુરી પણ મળે તેવી ધારણા છે.
આ ચૂંટણીમાં સૌથી યુવા ઉમેદવારો 25 વર્ષના મીનાક્ષી ભગત બહુજન સમાજ પક્ષ તરફથી ભદ્રવાહ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે તો 75 વર્ષના મહેબુબ બેગ અનંતનાગ બેઠક પર, પીડીપીની ટીકીટ પર અને મહમ્મદ યુસુફ પુલગાવની બેઠક પરથી ચૂંટણી લડે છે.