એક-બે નહીં પણ 16 પાનાં, દરેક પાનાં પર દીકરી માટે લખાયેલો લેખ, આ મેગેઝિન નહીં આ wedding card

લોગ વિચાર :

દીકરીના લગ્ન પિતા માટે બહું ખાસ હોય છે. દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે પિતા પોતાની જીવનમૂડી ખર્ચી નાખે છે. બોટાદના પાંચપડા વિસ્તારમાં પણ એક આવા જ પિતા રહે છે. જેમણે પોતાની દીકરી જાનકીના લગ્નપ્રસંગે એક-બે નહીં, પરંતુ 35 પાનની કંકોત્રી છપાવી છે. આ કંકોત્રીની ખાસિયત અંગે દીકરી જાનકી કણજરીયાએ માહિતી આપી હતી.

જાનકી કણજરીયાએ જણાવ્યું કે, “ન્યુઝપેપરમાં પૂર્તિ આવે છે, એવી અમે કંકોત્રી બનાવી છે. જેમાં દીકરી વિશેના લેખ અને કવિતાઓ લખવામાં આવી છે. કંકોત્રીની શરૂઆતમાં મહાકાળી માનું આહ્વાન તથા મોરારીબાપુના આશીર્વાદ લીધા છે. ત્યારબાદ અમારા પરિવારના પાંચેય સભ્યોના લેખ છાપ્યા છે. ત્યારબાદ કવિ-લેખકોના લેખ અને કવિતા પણ છાપ્યા છે. તેમાં આડી ચાવી અને ઊભી ચાવી પણ છે. અંતે સ્વહસ્તે લખેલી મૂળ કંકોત્રી અને પરિવારજનોના ફોટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.”

જાનકીના પિતા નટવર કણજરીયા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મેગેઝિન જેવી અનોખી કંકોત્રી છપાવવા અંગે તેમણે જણાવ્યું કે, “12 વર્ષ પહેલા મિરાજ ગૃપના મદન પાલીવાલની દીકરીના લગ્નની કંકોત્રી મને મળી હતી. તે સોનાના પતરા પર હતી. તેથી મેં પણ આવી કોઈ કંકોત્રી તૈયાર કરવી છે, એવું નક્કી કર્યું હતું. સોનાના પતરા પર કંકોત્રી તો હું ન છાપાવી શકું, પરંતુ દીકરીને સારામાં સારું કરિયાવર આપવા માટે મેં વિચાર કર્યો કે, વિચારોની કંકોત્રી આપીએ. તેથી મેં લોકોના વિચારો સમાવતી યુનિક કંકોત્રી તૈયાર કરાવી છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “કંકોત્રી લખાયા બાદ જ્યારે પ્રૂફ રીડિંગ કરવામાં આવ્યું, ત્યારે મેં મારી દીકરીએ લખેલો ‘પિયર’ નામનો લેખ વાંચ્યો હતો. જેને એક-એક લીટી વાંચતા વાંચતા મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. આ કંકોત્રી માટે મોરારીબાપુએ સ્વહસ્તે લખીને મારી દીકરીને આશીર્વાદ આપ્યા છે. હું જ્યારે… કંકોત્રી તૈયાર કરવા પાછળ મને 25 વર્ષ લાગ્યા છે. કારણ કે જાનકી જ્યારે ઘોડિયામાં સૂતી ત્યારે મેં તેનો પહેલો અવાજ રેકોર્ડ કર્યો, ત્યારથી હું તેની બધી ક્ષણો નોંધતો હતો. જેનો નિચોડ આ કંકોત્રીમાં સમાવ્યો છે.”