લોગવિચાર :
જન્માષ્ટમીના તહેવારને હવે માત્ર ગણતરી ના દિવસો બાકી છે તેવામાં શહેરના કૃષ્ણ મંદિરોમાં અત્યારથી જન્માષ્ટમી માટે તડામાર તૈયારીઓ ચાલુ છે. આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ પ્રમુખ શ્રી વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વખતે સાતમથી અગિયારસ એટલે કે તારીખ 24 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી છ દિવસ માટે મંદિરમાં મહોત્સવ યોજવામાં આવશે.
જેમાં જન્માષ્ટમીના દિવસે અંદાજિત ત્રણ લાખ જેટલાં દર્શનાર્થીઓ જ્યારે બાકીના ચાર દિવસોમાં રોજના 80,000 થી 1,00,000 (એંશી હજાર થી એક લાખ) જેટલા દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરવા આવે એવું અનુમાન છે. તદુપરાંત જન્માષ્ટમીના દિવસે ઘણા બધા રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો, સમાજના વિવિધ ક્ષેત્રના માન્યવંતો તેમજ પ્રસિદ્ધ કલાકારો મંદિરે દર્શન કરવા માટે આવશે. જેમના માટે વિશેષ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જન્માષ્ટમી માટેની તૈયારીઓ અમારા મંદિરમાં એક મહિના પહેલાથી જ શરૂ થઈ ચૂકી હતી મંદિરમાં સાફસફાઈ થઇ ચુકી છે અને દર્શનાર્થીઓ ને તકલીફ ના પડે એ હેતુ થી મંદિર ના પ્રાંગણ માં મંડપ પણ બાંધવામાં આવ્યા છે.
ધક્કામુક્કી તેમજ કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી વગર દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરી શકે તે હેતુથી મંદિરમાં બેરીકેટ લગાવીને દર્શન પથ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરને વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો દ્વારા શણગારી ને મંદિરને રોશનગાર કરવાની તૈયારીઓ પણ થઈ ગઈ છે. ઇસ્કોન મંદિર દ્વારા બાળકો ની આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રહલાદ સન્ડે ચિલ્ડ્રન ક્લાસીસ, યુવાનોની આધ્યાત્મિક પ્રગતિ માટે ઇસ્કોન યુથ ફોરમ તેમજ મહિલાઓની આધ્યાત્મિક પ્રગતિ માટે રાધારાણી સભા ચાલે છે જેના સ્ટોલ પણ મંદિર ના પ્રાંગણ માં લગાવવામાં આવેલ છે જેથી દર્શનાર્થીઓ આના વિશે વધુ માહિતી મેળવી શકે.
જન્માષ્ટમીના દિવસે કાર્યક્રમ અંગે પૂછતા પ્રભુજી જણાવે છે કે જન્માષ્ટમીના કાર્યક્રમની શરૂઆત સવારે 4:30 વાગ્યે મંગળા આરતી થશે ત્યારબાદ સવારે 9:30 વાગ્યે શ્રુંગાર દર્શન થશે. સવારે 10 વાગ્યે ભગવાનને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવશે અને 11 વાગ્યે શ્રી કૃષ્ણ લીલા ઉપર મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી પ્રવચન આપશે. રાત્રે 10 વાગ્યે ભગવાનનો અભિષેક શરૂ થશે અને રાત્રે બાર વાગ્યે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે.
જન્માષ્ટમીના દિવસ દરમિયાન પૂરો દિવસ ભગવાનના દર્શન અને મંદિરમાં સુમધુર કીર્તન ચાલુ રહેશે. મધુર કીર્તન લાભ મંદિરના પ્રાંગણમાં બેસેલા દર્શનાર્થીઓને મળે તે હેતુથી મંદિરના પ્રાંગણમાં તેમજ પાર્કિંગમાં પણ સ્પીકર લગાવવામાં આવેલા છે જેથી સમગ્ર વાતાવરણ દિવ્ય ભક્તિમય મધુર કીર્તન થી ગુંજી ઉઠશે. જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા માટે આવનાર સૌ દર્શનાર્થીઓ માટે શીરો પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે પુરા દિવસ દરમિયાન ચાલુ રહેશે.જયારે બાકી ના દિવસો માં પધારતા દર્શનાર્થીઓ માટે ખીચડી પ્રસાદ ની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે.
જે સાંજે 5 વાગ્યાં થી શરુ થશે. વધુમાં પ્રભુજી જણાવે છે કે આ વર્ષે લાખો લોકો આ છ દિવસે મહોત્સવ દરમિયાન દર્શન કરવા આવશે તેથી આ દરમિયાન વાહનના પાર્કિંગમાં કોઈને હાલાકી ન પડે તે હેતુથી અમે મંદિરની બાજુમાં આવેલ ખાલી ગ્રાઉન્ડમાં પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરેલ છે. અમે અનિલભાઈ જેઠાણી (આજકાલ ગ્રુપના) ખુબ આભારી છીએ કે જેઓએ પોતાની જગ્યા માટે છ દિવસ માટે પાર્કિંગ કરવાના આવા ઉમદા કાર્ય માટે આપેલ છે. તે પાર્કિંગના ગ્રાઉન્ડમાંથી મંદિરે દર્શન કરવા આવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે.માટે મંદિરે દર્શન કરવા આવનારસૌ કોઈ દર્શનાર્થીઓને વ્યવસ્થા જળવાય તે હેતુથી સ્વયંસેવકોની સૂચના નું પાલન કરવા નમ્ર વિનંતી છે.