જસપ્રિત બુમરાહે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 50 વિકેટનો રેકોર્ડ બનાવ્યો

લોગવિચાર :

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહએ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં પોતાની શાનદાર બોલિંગથી ધૂમ મચાવી હતી. બુમરાહે 28 ઓવર નાખી અને 76 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, મિશેલ માર્શ અને મિશેલ સ્ટાર્કને પોતાનો શિકાર બનાવ્યાં હતાં. આ સિરીઝમાં બીજી વખત બુમરાહે ઈનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટ લઈને ઈતિહાસનાં પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે.

બુમરાહ બ્રિસ્બેનમાં ટેસ્ટ ઇનિંગ્સમાં 6 કે તેથી વધુ વિકેટ લેનારો ભારતનો બીજો બોલર બની ગયો છે. આ પહેલાં વર્ષ 1968 માં સ્પિનર ઈરાપલ્લી પ્રસન્નાએ 104 રન આપીને 6 વિકેટ લીધી હતી.

ભારતીય બોલર તરીકે બુમરાહ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનાં મામલે અનિલ કુંબલેને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયો છે. બુમરાહે 10 ટેસ્ટ મેચમાં 17.82 ની એવરેજથી 50 વિકેટ લીધી છે. કુંબલેએ ઓસ્ટ્રેલિયામાં 10 ટેસ્ટમાં 49 વિકેટ લીધી હતી. હવે આ લિસ્ટમાં તેનાથી આગળ કપિલ દેવ છે, જેમણે ઓસ્ટ્રેલિયામાં 11 ટેસ્ટમાં 51 વિકેટ લીધી છે.

એશિયાની બહાર ભારત માટે ઝડપી બોલર તરીકે બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાની બાબતમાં પ્રથમ ક્રમે છે. તેણે એશિયામાં 10 મી વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે. ભૂતપૂર્વ ભારતીય બોલર કપિલ દેવે 9 વખત આ સિદ્ધિ મેળવી હતી.

આ ઉપરાંત બુમરાહ દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનારો ભારતનો બોલર બની ગયો છે. તેણે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં આઠમી વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે. આ યાદીમાં તેણે કપિલ દેવને પાછળ છોડી દીધાં છે.