અયોધ્યા રામ મંદિર પરિસરમાં ગોળી વાગવાથી જવાનનું મોત : માથામાં લાગી : ફરજ પર હતો

લોગ વિચાર :

અયોધ્‍યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત વિશેષ સુરક્ષા દળના જવાનનું શંકાસ્‍પદ સંજોગોમાં ગોળી વાગતાં મોત થયું હતું. ગોળી કેવી રીતે વાગી તે હજુ સ્‍પષ્ટ થયું નથી. માહિતી મળતાં જ આઈજી-એસએસપી સહિત અનેક ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા.

પોલીસે મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સૈનિક આંબેડકર નગરનો રહેવાસી હતો. વહેલી સવારે અચાનક જ ગોળીબારના અવાજથી શ્રી રામ જન્‍મભૂમિ સંકુલમાં ખળભળાટ મચી ગયો હતો. હાલમાં કશું જ નક્કર કહેવાઈ રહ્યું નથી. સૈનિકના મોતના સમાચાર મળતા જ તેના ઘરમાં અફરા-તફરી મચી ગઈ હતી.

યુવકનું નામ શત્રુઘ્‍ન વિશ્વકર્મા હતું. તેની ઉંમર ૨૫ વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. ગોળીનો અવાજ સાંભળીને સ્‍થળ પર પહોંચેલા સાથી સુરક્ષાકર્મીઓએ તેને લોહીથી લથપથ ત્‍યાં પડેલો જોયો અને તરત જ તેને હોસ્‍પિટલ લઈ ગયા. ત્‍યાંથી ઘાયલ સૈનિકને ટ્રોમા સેન્‍ટરમાં રિફર કરવામાં આવ્‍યો જયાં ડોક્‍ટરોએ તેને મૃત જાહેર કર્યો.સૈનિકના મોતના સમાચારથી રામ મંદિર પરિસરમાં ખળભળાટ મચી ગયો છે. અયોધ્‍યાના આઈજી અને એસએસપી સહિત તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા. પોલીસે ફોરેન્‍સિક ટીમને પણ ત્‍યાં બોલાવી છે. ફોરેન્‍સિક ટીમે ઘટના સ્‍થળે તપાસ કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, જવાનના કેટલાક સાથીઓનું કહેવું છે કે તે છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન હતો. ઘટના પહેલા તે મોબાઈલ જોઈ રહ્યો હતો. પોલીસે શત્રુઘ્‍નનો મોબાઈલ પણ તપાસ માટે મોકલી આપ્‍યો છે.

શત્રુઘ્‍ન વિશ્વકર્માને ૨૦૧૯માં જ સ્‍પેશિયલ સિક્‍યુરિટી ફોર્સમાં નોકરી મળી હતી. આંબેડકર નગરના સન્‍માનપુર પોલીસ સ્‍ટેશનના કાજપુરા ગામના રહેવાસી શત્રુઘ્‍ન રામ મંદિર પરિસરમાં તૈનાત હતા. મંદિરોની સુરક્ષા માટે યોગી આદિત્‍યનાથ સરકાર દ્વારા ચાર વર્ષ પહેલા SSFની રચના કરવામાં આવી હતી. શત્રુઘ્‍નના મૃત્‍યુના સમાચાર મળતાં જ આંબેડકર નગરમાં તેમના પરિવારજનો શોકમાં ગરકાવ છે. તેઓ માની શકતા નથી કે શત્રુઘ્‍ન હવે આ દુનિયામાં નથી.

રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત અન્‍ય એક જવાનને ત્રણ મહિના પહેલા ગોળી મારી દેવામાં આવી હતી. તેવામાં સૈનિકને તેની પોતાની ભૂલને કારણે ગોળી વાગી હતી. એવું કહેવામાં આવ્‍યું હતું કે બંદૂક ચલાવતી વખતે, ટ્રિગર અકસ્‍માતે દબાઈ ગયું હતું અને જવાને ગોળી વાગી હતી.