સુરત, તા. 23
રિડેવલપમેન્ટને માટે ગાંધીસ્મૃતિને તોડી પડાયા પછી સુરત શહેરના સામાજીક જીવનને જોડતી કડી તૂટી ગઈ. શહેરના નાટ્યક્ષેત્રથી માંડીને સંગિતક્ષેત્ર સુધીના કલાકારોને રાજ્ય-રાષ્ટ્રિયસ્તરે ચમકાવવામાં ગાંધીસ્મૃતિનો ફાળો રહ્યો હતો.
ગાંધી સ્મૃતિની વિદાય પછી પડેલા વેક્યુમને ભરવા માટે જીવનભારતી તત્કાલીન સંચાલકોએ ઓડિટોરિયમ રંગભવનને આધુનીક શણગારથી સજાવ્યું. રંગભવનને ડેવલપ કરવામાં આવ્યું ત્યારે તત્કાલીન સંચાલકો – ટ્રસ્ટીઓનો ઉદ્દેશ શહેરની સાહિત્યિક પ્રવૃત્તિને વેગ આપવાનો પણ હતો. જોકે સમય જતાં કેટલાક સંચાલકોના સ્વાર્થી વલણને કારણે સારા ઉદ્દેશનું બાળમરણ થયું. રંગભવનના સંચાલનમાં થતી ગરબડ પ્રત્યે શહેરના ઘણા અગ્રગણ્ય વ્યક્તિઓએ સંચાલક મંડળને ફરિયાદ કરી, પરંતુ સંચાલક મંડળે કાન અને મગજ બહેર મારી ગયા હોય એવું વર્તન કર્યું.
દાતાઓએ રંગભવનના બાધકામ અને રીનોવેશન માટે દિલ ખોલીને દાન આપ્યું હતું. હવે આ દાતાઓ પસ્તાઈ રહ્યા છે. સંચાલકોએ દાતાઓ સાથે પણ વિશ્વાસ ઘાત કર્યો છે. રંગભવનના સમારકામને બહાને કેવા કેવા ખેલ થયા એ ભવિષ્યમાં જોઈશું.