કૈલાસ માન સરોવર યાત્રા આ વર્ષે જ શરૂ થશે : કેન્દ્રની જાહેરાત

લોગ વિચાર.કોમ

કૈલાસ માન સરોવર યાત્રા ફરીથી જલદી શરૂ થશે. ભારત સરકારે સંકેત આપ્યો છે કે, તેને લઈને ચીન સાથે સહમતીની મહોર લાગી ગઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જાયસ્વાલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ યાત્રા ટુંક સમયમાં શરૂ થઈ શકે છે અને આ બારામાં સૂચના જાહેર કરવામાં આવશે.

હજુ આ બાબતે ડિટેલ નથી આપી શકાતી, એ સ્પષ્ટ છે કે યાત્રા આ વર્ષે જ થશે અને તૈયારીઓ થઈ રહી છે. ટુંક સમયમાં જ લોકો સામે વધુ જાણકારી રાખવામાં આવશે.

વર્ષ 2020 બાદ આ યાત્રા ફરીથી શરૂ નથી થઈ શકી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જીનપિંગની કઝાનમાં થયેલ મુલાકાતમાં કૈલાસ માન સરોવર યાત્રા સહિત અનેક બીજા મિકેનીઝમની બહાલીને લઈને સહમતી બની હતી.

ભારત-ચીન વચ્ચે સીધી ઉડાન ટુંક સમયમાં: ભારત અને ચીન વચ્ચે સીધી ઉડાન સેવાઓ ફરી શરૂ કરવાની દિશામાં બન્ને દેશોમાં સૈદ્ધાંતિક સહમતી બની ગઈ છે.

જાયસ્વાલે કહ્યું હતું કે ફલાઈટસ ફરીથી શરૂ થશે. બન્ને પક્ષોની ટેકનીકલ ટીમો ઉડાન સર્વિસને ફરીથી શરૂ કરવા માટે ટેકનિકલ પાસાં પર વિચાર કરી રહી છે.