લોગ વિચાર :
12 વર્ષનાં અંતરાલ પછી, ભારતનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો, કુંભ મેળો 2025 માં ફરીથી યોજાવા જઈ રહ્યો છે. કુંભ મેળો હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર મેળો છે. કુંભમાં લાખો ભક્તો આવે છે અને પવિત્ર નદીઓનાં સંગમમાં સ્નાન કરે છે. આ અહેવાલ દ્વારા, ચાલો સમજીએ કે શા માટે દર 12 વર્ષ પછી જ કુંભ મેળો ઉજવવાની પરંપરા છે.
કુંભ મેળો એ ભારતીય સંસ્કૃતિનો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગ છે, જે દર 12 વર્ષે કોઈ ચોક્કસ સ્થળે યોજાય છે. તે ખાસ કરીને ચાર મુખ્ય સ્થળો, પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં આયોજિત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મેળામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. કુંભ મેળો ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે દર 12 વર્ષે આવે છે તેનું એક મુખ્ય કારણ છે.
શા માટે 12 વર્ષ રાહ જોવી ? :-
એવું માનવામાં આવે છે કે કુંભ મેળાની ઉત્પત્તિ સમુદ્ર મંથનની પૌરાણિક કથા સાથે જોડાયેલી છે. જ્યારે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું, ત્યારે તેમાંથી અમૃતનો કળશ નીકળ્યો હતો. આ અમૃત મેળવવા માટે, બંને પક્ષો વચ્ચે યુદ્ધ થયું જે 12 દિવસ સુધી ચાલ્યું હતું.
એવું માનવામાં આવે છે કે, આ 12 દિવસ પૃથ્વી પરનાં 12 વર્ષ બરાબર છે. એવું પણ માનવામાં આવે છે કે, અમૃતના ઘડામાંથી 12 છાંટા અલગ અલગ જગ્યાએ પડ્યાં હતાં, જેમાંથી ચાર છાંટા પૃથ્વી પર પડયાં હતાં.
કુંભ મેળો તે ચાર સ્થળોએ જ યોજાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગુરુ ગ્રહ 12 વર્ષમાં 12 રાશિઓમાં પરિભ્રમણ કરે છે. કુંભ મેળાનું આયોજન તે જ સમયે કરવામાં આવે છે જ્યારે ગુરુ ગ્રહ ચોક્કસ રાશિમાં હોય છે.
આ છે શાહી સ્નાનનું મહત્વ :-
કુંભમેળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે આ દરમિયાન આ નદીઓનું પાણી અમૃત જેવું શુદ્ધ બની જાય છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી તમામ દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. કુંભમેળામાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મહા કુંભ સ્નાન એ આત્મા શુદ્ધિ, સામાજિક એકતા અને આધ્યાત્મિક જાગૃતિનો તહેવાર છે. તે ભારતીય સંસ્કૃતિ અને ધર્મને દર્શાવે છે. પ્રયાગરાજનો મહાકુંભ એ ભારતનાં ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનો અદ્ભુત સંગમ છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમની પવિત્ર ત્રિવેણીમાં ડૂબકી લગાવવી એ હિન્દુ ધર્મમાં અત્યંત પુણ્યશાળી છે.
માન્યતા અનુસાર ગંગા, યમુના અને સરસ્વતી નદીઓ અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક છે. આ ત્રણ નદીઓનાં સંગમમાં સ્નાન કરવાથી દૈવીય આશીર્વાદ મળે છે. જ્યાં સુધી મહાકુંભના વૈજ્ઞાનિક પાસાની વાત છે તો વૈજ્ઞાનિકોના મતે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ અનેક જૈવિક અને ઔષધીય ગુણોથી ભરેલું છે. તેમાં રહેલાં મિનરલ્સ શરીરને સાફ કરવામાં મદદ કરે છે. મહાકુંભ દરમિયાન લાખો લોકો એકસાથે ભેગા થવાથી એક શક્તિશાળી ક્ષેત્ર બને છે જે મન અને શરીરને શાંત કરે છે અને તણાવ દૂર કરે છે.
સાધુ અને સંન્યાસી ખાસ કરીને શાહી સ્નાન કરે છે :-
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કુંભ મેળા દરમિયાન અમુક તિથિઓએ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન દેવતાઓ સ્વયં પૃથ્વી પર આવે છે. તે ગંગા નદીમાં સ્નાન કરે છે અને તમામ જીવોને પાપોમાંથી મુક્ત કરે છે. કુંભ મેળામાં દેવતાઓના સ્નાન પછી નાગા સાધુઓનું શાહી સ્નાન થાય છે.
નાગા સાધુઓ હિંદુ ધર્મનાં તપસ્વીઓ છે જેઓ એકાંત જીવન જીવે છે. તેઓ નગ્ન રહે છે અને કઠોર તપ કરે છે. કુંભ મેળામાં નાગા સાધુઓનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. આ સ્નાનને ’શાહી સ્નાન’ કહેવામાં આવે છે કારણ કે તેમાં સંતો અને નાગા સાધુઓની શાહી હાજરી હોય છે. નાગા સાધુઓના સ્નાન બાદ સામાન્ય ભક્તો ગંગા નદીમાં સ્નાન કરી શકે છે.
કુંભનગર જિલ્લો છ હજાર હેક્ટરમાં યોજાશે
પ્રયાગરાજમાં કુંભનગર જિલ્લો છ હજાર હેક્ટરમાં ફેલાયેલો હશે. આ મેળો ચાર હજાર હેક્ટર વિસ્તારમાં યોજાશે અને 1900 હેક્ટર વિસ્તારમાં પાર્કિંગ કરવામાં આવશે. આ વખતે આ મેળામાં 10 કરોડ ભક્તો આવવાનો અંદાજ છે.
આ વખતે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવશે. સંગમ પર નહાનારાઓને ડૂબતાં બચાવવા માટે પોલીસની સાથે અંડરવોટર ડ્રોન પણ તૈનાત કરવામાં આવશે. આ ડ્રોન 500 મીટરની ત્રિજ્યામાં કોઈપણ ડૂબતાંને ઓળખવામાં સક્ષમ હશે. તેમજ તે 1 મિનિટમાં દોઢ કિલોમીટરનું અંતર કાપી શકશે. મહાકુંભમાં ભીડને સમાવવા માટે પાર્કિંગની વ્યવસ્થા શહેરની બહાર રહેશે.
144 વર્ષ પછી 6 શાહી સ્નાન
ધાર્મિક ગ્રંથો અનુસાર, જ્યારે પણ ઉજ્જૈન, નાસિક, હરિદ્વાર અને પ્રયાગરાજમાં 12 પૂર્ણકુમ મેળાઓનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ’મહા કુંભ’નું આયોજન કરવામાં આવે છે. ગાણિતિક રીતે જોઈએ તો દર 144 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
આ વખતે લોકો અને સંતોના મેળાવડાનો આ ઉત્સવ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ભક્તો આ પ્રસંગે કુંભ મેળામાં જવાનું અને કુંભ સ્નાન કરવાનું ચૂકી જાય છે, તો કદાચ તેમને આ જીવનમાં ફરીથી કયારેય આ પુણ્યશાળી તક નહીં મળે.