લોગ વિચાર :
અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા આવનારા ભાવિકોની સંખ્યા મહાકુંભના કારણે વધી ગઈ હોવાથી ક્રાઉડ-મેનેજમેન્ટ માટે મંદિર પ્રશાસને નિયમોમાં જે ફેરફાર કર્યા હતા એના કારણે મંદિરના પ્રવેશદ્વાર પર લાખો જૂતા અને ચંપલ જમા થયા છે. આ ચંપલને મશીનોની મદદથી ટ્રોલીઓમાં ભરીને બીજા સ્થળે ડમ્પ કરવામાં આવી રહ્યા છે.
રામમંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર ગેટ નંબર એક રામપથ પર આ સ્થિત છે. અહીં દર્શન કરવા આવતા ભક્તોના જૂતાં-ચંપલ જમા કરાવવામાં આવે છે. મંદિર પરિસરનું અડધો કિલોમીટરનું ચક્કર લગાવી ભાવિકો ફરી ત્યાં આવીને જૂતાં લઈ શકે છે. પણ ભીડ નિયંત્રિત કરવા માટે ભક્તોને હવે ગેટ નંબર ત્રણ કે અન્ય ગેટથી બહાર કાઢવામાં આવે છે.
રામ પથ વન-વે હોવાથી ભક્તોને તેમના ચંપલ પાછાં લેવા આવવા માટે ઘણું અંતર કાપવું પડે છે. આના કારણે ઘણા ભાવિકો ચંપલ લીધા વિના જ જતા રહે છે અને એથી ગેટ નંબર એક પર જૂતાંનો ઢગલો જમા થઈ રહ્યો છે.