લોગવિચાર :
શિયાળામાં અખરોટ ખાવાના એક નહીં પરંતુ અનેક ફાયદાઓ છે. ઘણા લોકો મગજને તેજ કરવા માટે દરરોજ અખરોટ ખાય છે. આ નટ્સ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઓક્સીડન્ટ અને ફાઇબર હોય છે. માત્ર મગજ જ નહિ પરંતુ હૃદયને સ્વસ્થ રાખવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ અખરોટ મદદ કરે છે. એવામાં અખરોટના ફાયદાઓ વિશે જાણીએ. જો તમે રોજ અખરોટ ખાઓ છો, તો તે તમારા શરીરમાંથી નબળાઈ દૂર કરે છે, જ્ઞાનતંતુઓને મજબૂત બનાવે છે, તમારી સ્કીનને ગ્લોઇંગ બનાવે છે, વાળ મજબૂત બને છે, યાદશક્તિ સારી રહે છે અને હાડકા મજબૂત બને છે. આ માટે તમે રોજ બે અખરોટ પલાળીને ખાઈ શકો છો અને જો તમે ઇચ્છો તો તેની સાથે દૂધ પણ લઈ શકો છો. તેમજ અખરોટની ગરમ પ્રકૃતિ હોવાથી તેને પાણીમાં પલાળ્યા પછી જ ખાવા જોઈએ.
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ અને આલ્ફા-લિનોલેનિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાતાં LDL કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાતાં HDL કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલમાં રાખવાથી હૃદય સ્વસ્થ રહે છે અને સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થાય છે. આ સિવાય અખરોટમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે.
અખરોટમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ અને આલ્ફા-લિનોલેનિક એસિડ મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જર્નલ ઑફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, અખરોટ મગજના કોષો વચ્ચેના જોડાણને સુધારે છે, જે તમારું ફોકસ અને યાદશક્તિને તેજ બનાવે છે.
અખરોટ આંતરડાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, અખરોટમાં રહેલ ફાઇબર પ્રિબાયોટિક તરીકે કામ કરે છે, જે તમારા આંતરડાંમાં સારા બેક્ટેરિયાને પોષણ આપે છે. તેમજ ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.