લોગ વિચાર :
દોઢ મહિનાથી ચાલી રહેલા મહાકુંભનાં આજે સમાપન-અંતિમ દિવસે શ્રધ્ધાળુઓનો મહાસાગર ઉમટયો હતો. અત્યાર સુધીમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન-ડુબકી લગાવનારાની સંખ્યા 65 કરોડથી વધુ લોકો ડુબકી લગાવે તેવા અંદાજ સાથે આંકડો 66 કરોડને આંબી જવાનું અનુમાન વ્યકત થઈ રહ્યું છે. આજે મહાશિવરાત્રીએ લાખોની સંખ્યામાં ભારે ભીડ વચ્ચે વ્યવસ્થા તંત્રને વધુ સતર્ક કરવામાં આવ્યું હતું.
મહાકુંભનાં અંતિમ દિવસે મહાશિવરાત્રીએ આજે ભકતોનું ઘોડાપુર ઉમટયુ હતું. આખરી અમૃતસ્નાનમાં સવારે પ્રારંભીક ત્રણ કલાકમાં જ 25 લાખ જેટલા શ્રધ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી દીધી હતી.દિવસ દરમ્યાન આંકડો એક કરો.ડને પાર થઈ જવાનું માનવામાં આવી રહ્યું છે.
છેલ્લા 10 દિવસથી દરરોજ સરેરાશ સવા કરોડ ભાવિકોએ પવિત્ર સ્નાન કર્યું હતું. આજે અંતિમ દિવસના સ્નાન બાદ કુલ આંકડો 66 કરોડને આંબી જવાના અનુમાન વચ્ચે 2019 ની સરખામણીએ આ વખતે ભાવીકોની સંખ્યા અઢી ગણી વધારે થઈ છે. અમૃત સ્નાનનાં પાવીન દિવસો સિવાય સામાન્ય દિવસોમાં પણ શ્રધ્ધાળુઓનો મહાસાગર છલકાતો રહ્યો હતો.
2019 માં 24 કરોડ લોકો કુંભ મેળામાં ઉમટયા હતા. તે મેળો 55 દિવસનો હતો.આ વખતે 45 દિવસનો મહાકુંભનાં આંકડો 66 કરોડને વટાવી જશે. મહા શિવરાત્રીનુ અમૃતસ્નાન તથા સમાપનનો દિવસ હોવાથી જંગી સંખ્યામાં ભાવીકો ઉમટવાનાં અંદાજ વચ્ચે વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રખાયુ હતું.
મુખ્યમંત્રી યોગી આદીત્યનાથના ખુદ ગોરખનાથ મંદીર સ્થિત મોનીટરીંગ રૂમમાંથી દેખરેખ રાખતા રહ્યા હતા. સુરક્ષા, સફાઈથી માંડીને તમામ વ્યવસ્થા પર સતત વોચ રાખવામાં આવી હતી. નો-વ્હીકલનો આદેશ જારી કરાયો હોવાથી પાર્કીંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલા બાળકોની સુરક્ષા પર ફોકસ રાખવામાં આવ્યુ હતું.
હાથમાં ગદા-તલવાર, ત્રિશુલ સાથે સેલ્ફી... કાશીમાં 10 હજાર નાગા સાધુ ઉમટયા
કાશી: આજે મહાશિવરાત્રીએ કાશીમાં લાખો ભકતોની સાથે સાથે અખાડાના સાધુ-સંતો અને 10 હજાર જેટલા નાગા સાધુઓનું ઘોડાપુર ઉમટી પડયું હતું. સવારથી જ ગોદોલિયા ક્ષેત્ર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયું હતું. મહા શિવરાત્રીએ કાશીમાં પ્રયાગરાજના મહાકુંભ જેવો અનોખો નજારો સર્જાયો હતો. હનુમાન ઘાટથી બાબા વિશ્વનાથના ધામ સુધી શ્રદ્ધાળુઓને ભવ્ય નજારો સર્જાયો હતો.
નાગા સાધુના આશીર્વાદ મેળવવા માટે લાખો ભકતો રાતથી જ રસ્તાના કિનારે ઉભા હતા. લગભગ 2 લાખ ભકતો, 3 કિલોમીટર લાંબી લાઈનમાં ઉભા હતા. રાત્રે 2.15 વાગ્યે બાબા વિશ્વનાથની મંગળા આરતી કરવામાં આવી હતી. બાબા વિશ્વનાથનો વરરાજાની જેમ શણગાર કરવામાં આવ્યો હતો. મહાકુંભ પર મહાશિવરાત્રીનો સંયોગ 6 વર્ષ પછી બન્યો છે.
કાશી વિશ્વનાથ ધામમાં નાગા સાધુઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. નાગા સંન્યાસીઓમાં 7 અખાડાએ મહા શિવરાત્રીએ પોતાના આરાધ્ય બાબા વિશ્વનાથને જલાભિષેક કર્યો હતો. આચાર્ય મહામંડલેશ્વરની આગેવાનીમાં નાગા સાધુ બગી, ઘોડા અને વાહનોમાં સવાર થઈને અખાડાથી નીકળ્યા હતા.
ગંગાની લહેરો અને કાશીની ગલીઓમાં ડમરુના નિનાદ અને શંખનાદ સાથે નાગા સંન્યાસીઓની પેશવાઈ નીકળી તો લોકોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. નાગા સાધુઓની યાત્રીમાં બાળ નાગા સાધુઓએ તલવાર લહેરાવી સ્ટંટ કર્યા હતા.