મૃત્યુ વીમાના દાવાની 15 દિવસમાં ફરજિયાત પતાવટ : કેશલેસ સેવા 3 કલાકમાં સેટલ થશે

લોગવિચાર :

દેશમાં અલગ અલગ જીવન વીમા પોલીસીમાં હવે પોલીસીધારકના મૃત્યુના કેસમાં 1પ દિવસમાં જ તેના કલેઇમની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. વીમા ઓથોરીટી દ્વારા આ અંગે સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા અને તમામ કલેઇમ 15 દિવસની અંદર પૂરા કરવા આદેશ આપ્યો છે. અત્યાર સુધી આ મર્યાદા 30 દિવસની હતી. જોકે જે મૃત્યુના કેસમાં કોઇ ખાસ પ્રકારની તપાસની આવશ્યકતા હોય તો તેને આ નિયમ લાગુ થશે નહીં. વીમા ઓથોરીટી દ્વારા હાલમાં આ અંગે એક સકર્યુલર જાહેર કરવામાં આવ્યો છે.

અને તેની અલગ અલગ સેવાઓ માટે પણ સમયસીમા નિશ્ર્ચિત થઇ છે. વીમા કંપનીઓને તેના ગ્રાહકો પ્રત્યેની જવાબદારી વધારવા અને ગ્રાહક સેવાને બહેતર કરવા આ નિર્ણય લાગુ કરાયો છે. વીમા ઓથોરીટીના જણાવ્યા મુજબ જે કંપનીઓ સમય મર્યાદા ચૂકશે તો તે સંબંધમાં ગ્રાહક વીમા ક્ષેત્રના લોકપાલનો સંપર્ક કરી શકશે. વીમા લોકપાલ પાસે કંપનીઓને આદેશ આપવાનો અધિકાર છે.

ઓથોરીટીએ કહ્યું કે જે ડેથ કલેઇમમાં તપાસની જરૂર હોય તે 45 દિવસમાં પૂરી કરવાની રહેશે અત્યાર સુધી આ મર્યાદા 90 દિવસની હતી. આ ઉપરાંત વીમાના પોલીસી સરન્ડર કે તેમાંથી લોન સહિતની પ્રક્રિયા 14 દિવસમાં પૂરી કરવાની રહેશે. આ ઉપરાંત પ્રીમીયમ કે પોલીસી સંબંધી સૂચનાઓ એક મહિનામાં દેવાની રહેેશે. ખાસ કરીને સ્વાસ્થય વીમા ઓથોરીટી મહત્વ રીતે કેશલેસ દાવામાં 3 કલાકમાં જ પોલીસીધારકને આ સુવિધા આપવાની રહેશે જયારે નોન-કેશલેસ દાવામાં વીમા ધારક પોતે કલેઇમ કરે કે તુર્ત જ 15 દિવસમાં તેનો નિકાલ કરવાનો રહેશે. નવા વીમાની પ્રક્રિયા 7 દિવસમાં પૂરી કરવાની રહેશે અને પોલીસીની એક કોપી વીમા ઉતરાવનારને 1પ દિવસમાં પહોંચાડવાની રહેશે. આ ઉપરાંત યુનિટ  લીંક વીમા પોલીસીમાં સ્વીચ અને ટોપ ઓફ રીકવેસ્ટમાં 7 દિવસમાં નિર્ણય લેવાનો રહેશે.