ગુજરાતમાં શિક્ષણનું અર્થ (અનર્થ) શાસ્ત્ર

  • શિક્ષણની મહત્તા અને જરૂરિયાત સમજાતી ગઈ તેમ તેમ ખાસ કરીને મધ્યમ વર્ગના વાલીઓ પેટે પાટા બાંધીને પણ આવો લાભ લેવા પ્રયત્ન કરતા રહ્યા.
  • માત્ર વેપારી બુદ્ધિ ધરાવતા આવા 'સૂંઠને ગાંગડે ગાંધી' થઈ ચૂકેલા સંચાલકોએ બધી શરમ નેવે મૂકી અને વિદ્યાર્થીઓ પાસેથી ડોનેશન અને શિક્ષકોનું આર્થિક શોષણ કરવાનું શરૂ કર્યું!

ગાંધીયુગમાં અને કદાચ એ પહેલાં પણ શિક્ષણ અને તબિબી ક્ષેત્ર સેવાના દાયરામાં ગણાયું. સમાજના થોડા સેવાભાવી શ્રેષ્ઠીઓ ભેગા થઈને એક ચોક્કસ હેતુથી આર્થિક ગોઠવણ કરી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી અને સમાજના તમામ વર્ગોને અનુકૂળ રહે એવું શિક્ષણ આપવાનું શરૂ કર્યું.

વખત જતાં શિક્ષણની મહત્તા અને જરૂરિયાત સમજાતી ગઈ તેમ તેમ ખાસ કરીને મધ્યમ વર્ગના વાલીઓ પેટે પાટા બાંધીને પણ આવો લાભ લેવા પ્રયત્ન કરતા રહ્યા. ડિમાન્ડ અને સપ્લાયના સિદ્ધાંત પર ચાલતી આ વ્યવસ્થા થોડાક ચતૂર વેપારી કે સજ્જનો જેમની પાસે વધારાનો 'માલ' પડ્યો હતો એમની પાસે ગઈ અને એમણે આ રકમોની મદદથી સંસ્થાઓ ઊભી કરી. હવે સેવા માટે દાનનું સ્થાન ધંધામાં રોકાણે લીધું. અને સ્વાભાવિક રીતે રોકાણ હોય ત્યાં નફો રહેવાનો જ!

મજબૂર વાલીઓ, ધંધાદારી શાળા સંચાલકો અને એમની વચ્ચે પિસાતા શિક્ષકો – એ ક્ષેત્રનાં આર્થિક ત્રિકોણના ભાગ બન્યા! ધંધાદારી સંચાલકોએ વાલીઓને વધુ ફી આપવા મજબૂર કર્યા તો શિક્ષકોએ દબાવીને ઓછા વેતને કામ કરાવ્યા! અને એમાં સરકારનો સાથ મળ્યો. 'વિદ્યા સહાયક' કે, જ્ઞાન સહાયક જેવા રૂપાળા નામ હેઠળ સરકારે નિમણૂકો કરી. જેમાં કોઈ આર્થિક સલામતી નહોતી એવી વ્યવસ્થા ઊભી કરી શાળા ચલાવવાનો પ્રયત્ન કર્યો. માત્ર વેપારી બુદ્ધિ ધરાવતા આવા 'સૂંઠને ગાંગડે ગાંધી' થઈ ચૂકેલા સંચાલકોએ બધી શરમ નેવે મૂકી અને વિદ્યાર્થીઓ પાસેથી ડોનેશન અને શિક્ષકોનું આર્થિક શોષણ કરવાનું શરૂ કર્યું!

એક જમાનામાં ચંદ્રવદન શાહ જેવા સ્થાપક હતો જેમણે ગાંઠના ગોપીચંદન કરી પોતાના શિક્ષકોને તે સમયમાં શક્ય એટલા તમામ આર્થિક લાભ આપ્યા. આજે આ સંચાલકોની પેઢીએ સીસ્ટમનો નીચોવી નીચોવીને લાભ તો લીધો સાથે આર્થિક રીતે અસલામત રાખી ગાડું ગબડાવ્યે રાખ્યું! શિક્ષણના સંચાલન કે અગ્રણીઓને આટલાથી સંતોષ ન થતા, પુસ્તકો, ગણવેશ, બૂટ, મોજા, ટૂંકમાં આંત્ર વસ્ત્રો સિવાયની તમામ ખરીદી શાળા પાસેથી જ થાય એવો આગ્રહ રાખ્યો!

કોમ્પ્યુટર, ચિત્રકામ કે સંગીત જેવા ક્રિએટીવ વિષયનો તો ગુજરાતમાં એકડો જ નીકળી ગયો છે. આ વિષયના શિક્ષકોની ભરતી જ નથી કરાતી! એ આપણા ગુજરાતના શિક્ષણની અદ્ભૂત પરિસ્થિતિ છે!

આ આર્થિક વાતાવરણને કારણે ગુજરાતનું શિક્ષણ ખૂબ જ ડહોળાયેલું છે. કદાચ સંચાલકોને પડી જ નથી. શિક્ષણ કે વિદ્યાર્થીએ એમને માટે ગૌણ છે.

આવા સંજોગોમાં શિક્ષણનું જ મરણ થશે.

સવારે ધરમ ધ્યાન કરતા સંચાલકો બપોરે વિદ્યાર્થીઓને માનવતા અને પુણ્યનિષ્ઠાની વાત કરશે અને સાંજે શિક્ષકોને કેવી રીતે નિચોવવા એના આટાપાટા રમશે. બીજી તરફ આર્થિક અસલામતીથી પિડાતો શિક્ષક ક્યાં તો અન્ય રસ્તે આર્થિક ઊર્પાજન કરશે અથવા નાણા કમાવવા અન્ય રસ્તે વળશે. આવા વાતાવણમાં આપણે આપણા બાળકો પાસેથી મૂલ્યનિષ્ઠ, શિક્ષણ, નિતિમત્તા, ક્રીએટીવીટીની આશા કેવી રીતે રાખી શકીએ?

જોકે બધું જ ખરાબ છે એમ નથી, શ્રી મનસુખભાઈ સલ્લા કે એમીટી સ્કૂલના શ્રી રણછોડભાઈ શાહ કે દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ હજી પણ છે. જોકે એમનો ચમકારો બૂઝાતા દિપકના છેલ્લા ચમકારા જેવો છે!