લોગવિચાર :
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું PMJAY યોજના થકી પૈસા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ મેડિકલ કેમ્પ થકી દર્દીઓને હોસ્પિટલ સુધી ખેંચી લાવવાના આયોજનનો છેદ જ ઉડી જાય તેવી ખાનગી હોસ્પિટલો માટેની SOP આરોગ્ય વિભાગે જારી કરી છે.
જેમાં PMJAY સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલ કયા પ્રકારના રોગોનો મેડિકલ કેમ્પમાં સમાવેશ કરી શકશે અને નહીં કરી શકે તે સ્પષ્ટ કર્યું છે. તે સાથે મેડિકલ કેમ્પ યોજાશે તેમાં જિલ્લા કે તાલુકા કક્ષાના આરોગ્ય વિભાગના અધિકારી ફરજિયાત હાજર રહેશે. SOPનો ભંગ કરીને મેડિકલ કેમ્પ યોજનારી હોસ્પિટલને PMJAYમાંથી બ્લેકલિસ્ટ કરાશે. કેમ્પમાં દર્દી પાસે આયુષ્યમાન કાર્ડની વિગતો માગી શકાશે નહીં.
જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપતી સરકારની PMJAY જેવી ઉદાર યોજનાને ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ ટાર્ગેટ કરી બિનજરૂરી જીવલેણ ઓપરેશન કર્યા બાદ આરોગ્ય વિભાગ ભવિષ્યમાં યોજનાનો કોઇપણ રીતે ગેરલાભ લઇ ન શકાય તે રીતે સકંજો કસી રહી છે. જેમાં દર્દીઓને હોસ્પિટલ સુધી ઓપરેશન માટે ખેંચી લાવવાના મૂળ સમાન મેડિકલ કેમ્પ યોજાય તે માટે સ્થાનિક તંત્રની મંજૂરી તો લેવી પડશે.
તે સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવા સર્જરી ટાઈપની બીમારીનો કેમ્પમાં સમાવેશ કરી શકાશે નહીં. તેની સામે નેશનલ હેલ્થ પ્રોગ્રામ દ્વારા નિયત કરાયેલા બિનચેપી રોગ, મોતિયો, અંધત્વની સારવાર વગેરેનો મેડિકલ કેમ્પમાં સમાવેશ કરી શકાશે. કેમ્પ યોજ્યા પછી તેના આયોજકોએ લાઇન ઓફ ટ્રીટમેન્ટની વિગતો જિલ્લા આરોગ્ય અધિકારીને પણ આપવી પડશે.
તેના કારણે દર્દીઓને બિમારી અને આગામી સારવારમાં શેની જરૂર પડી શકે છે તેની જાણકારી મળી શકશે. જેથી કોઈ ખાનગી હોસ્પિટલ PMJAY યોજનાનો ગેરલાભ ઉઠાવી રહી છે કે નહીં તેનું પણ મોનિટરિંગ કરી શકાશે.
મેડિકલ કેમ્પની સ્થાનિક આરોગ્ય ઓથોટિરીને જાણ કરવી પડશે તે પછી સ્થાનિક તાલુકા કે જિલ્લા કક્ષાના આરોગ્ય વિભાગના અધિકારી કે સિનિયર કર્મચારીએ મેડિકલ કેમ્પમાં ફરજિયાત હાજરી આપવી પડશે. જેઓ કેમ્પની કામગીરી ઉપર નજર રાખશે. કેમ્પ બાદ દર્દીઓને કેવી સારવારની જરૂર પડશે તેની વિગતો પણ જિલ્લા આરોગ્ય અધિકારીને આપવી પડશે.
PMJAY સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલો મેડિકલ કેમ્પ યોજી શકશે, પરંતુ જે દર્દીનું તેમાં સ્ક્રીનિંગ કરાશે તેમની પાસેથી આયુષ્યમાન કાર્ડની વિગતો માગી શકશે નહીં. એટલું જ નહીં, દર્દીને કોઈપણ રીતે હોસ્પિટલના આયોજકો કે તબીબો દબાણ કે લાલચ આપીને તેમની હોસ્પિટલમાં આવવા પ્રોત્સાહિત કરી શકાશે નહીં તેવી જોગવાઈ પણ SOPમાં કરવામાં આવી છે. જેથી ખ્યાતિ કાંડનું પુનરાવર્તન ટાળી શકાય.
SOPનો ભંગ કરનારી ખાનગી હોસ્પિટલના આયોજકો સહિત જવાબદારો સામે પગલાં લેવાશે અને PMJAYમાંથી બ્લેકલિસ્ટ કરવા સુધીના પગલાં લઈ શકાય તેવી જોગવાઇ પણ SOPમાં કરાઈ છે.