બેલ્જીયમમાંથી મેહુલ ચોક્સીની ધરપકડ : ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે

લોગ વિચાર.કોમ

અમેરિકાથી 26/11ના હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને પ્રત્યાર્પણથી ભારત લાવીને હવે તેનો ‘ન્યાય’ મળશે અને ત્યારબાદ સામેના જંગમાં આ એક મહત્વની સફળતા મળી છે તે સમયે દેશના બેન્કીંગ અને ડાયમન્ડ બન્ને ક્ષેત્રને હચમચાવનાર પંજાબ નેશનલ બેન્કમાં સર્જેલા બેન્ક ગેરેન્ટી કાંડના ભાગેડુ મામા-ભાણેજ મેહુલ ચોકસી અને નિરવ મોદીની જોડીના ‘મામા’ મેહુલ ચોકસની હિરાની દુનિયાના પાટનગર બેલ્જીયમથી જ ઝડપી લેવાયો છે અને તેને હવે પ્રત્યાર્પણ મારફત ભારત લઈ આવવા તૈયારી છે.

અગાઉ નાણાના જોરે કેરેબીયન ટાપુ રાષ્ટ્ર એન્ટીગુઆ તથા બારબુડાની નાગરિકતા હાંસલ કરી પોતાને સલામત સમજનાર મેહુલ ચોકસી પોતાના સ્વાસ્થ્યના ઈલાજ માટે બેલ્જીયમ પહોંચ્યો હોવાના ખબર બાદ તેની સામે મુંબઈની અદાલતોના 23 મે 2018 અને 15 જૂન 2021ના બે ધરપકડ વોરન્ટ સાથે ખાસ ટીમ બેલ્જીયમ પહોંચી હતી.

આ દેશની સરકાર સમક્ષ મેહુલ ચોકસીની ક્રાઈમ કુંડળી રજુ કરી તે આ દેશ છોડી જાય તે પુર્વે તેની ધરપકડ કરીને પ્રત્યાર્પણના માર્ગે ભારતને સુપ્રત કરવાની રજુઆત કરતા જ હાલ ચોકસીની ધરપકડ કરીને તેને બેલ્જીયમની જેલમાં મોકલી અપાયા છે.

હવે તેના પ્રત્યાર્પણની કામગીરી શરૂ થશે. મેહુલ ચોકસી અને તેના ભાણેજ નિરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂા.1500 કરોડનું બેન્ક ગેરેન્ટી ફ્રોડ કર્યો હતો.

જેમાં બેન્કના અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી છે. જે કેસમાં હાલ સજા પણ થઈ ચૂકી છે પણ મેહુલ ચોકસી તથા નિરવ મોદી તે પુર્વે કુટુંબ સાથે દેશ છોડીને નાસી જતા તેઓની ધરપકડ શકય બની ન હતી. નિરવ મોદી લંડનમાં છે અને તેના પ્રત્યાર્પણની પણ કાનૂની લડાઈ ભારત સરકાર આપી રહી છે.

મેહુલ ચોકસી કેરેબીયન ટાપુમાં રોકાણકાર બનીને રોકાયો હતો અને પછી આ દેશની નાગરિકતા પણ મેળવી ખુદને સલામત સમજતો હતો અને તે દેશના પાસપોર્ટના આધારે આસપાસના દેશોમાં સફર કરતો હતો. માનવામાં આવે છે કે તે સ્વાસ્થ્યના ઈલાજ માટે બેલ્જીયમ પહોંચ્યો હતો.