લોગવિચાર :
અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે GNLU, PDEU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકુંઆ સર્કલ, ઈન્ફોસિટી અને સેક્ટર-1 જેવા વિસ્તારોને આવરી લેતા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો 16મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરાશે.
આ બીજા ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે.
આ ફેઝ 21 કિ.મી.નો છે, જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે. મેટ્રો રેલવેનો આ બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાથી લોકોની યાત્રા વધુ ઝડપી,સુરક્ષિત અને વાજબી બનશે.
સરકાર માને છે કે, આગામી સમયમાં ગુજરાતમાં મજબૂત પરિવહન નેટવર્ક બનાવવાની દિશામાં મેટ્રોનું વિસ્તરણ માત્ર શરૂઆત છે. આગામી સમયમાં મેટ્રોના વ્યાપક વિસ્તરણની કામગીરી અત્યારે પ્રક્રિયામાં છે. જેનાથી એક એવી ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ બનશે.
સમયાંતરે ટ્રાફિકમાં થતાં વધારા અને મોંઘા પરિહવન સામે મેટ્રો એક વાજબી અને વિશ્વસનીય પરિવહન વિકલ્પ બની રહશે. ઉદાહરણરૂપે APMC (વાસણા) થી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થાય છે.
જેનું ભાડું ખર્ચ માત્ર રૂ. 35 રહેશે. તેની સરખામણીએ ટેક્સીથી આ મુસાફરીનો સમય 80 મિનિટ અને ભાડું રૂ. 415થી પણ વધુ થાય છે. રિક્શામાં આ ભાડું 375 થવા જાય છે, જેમાં સમય મેટ્રોની આસપાસ અને તેનાથી વધારે રહે છે.
ટ્વીન સિટી મેટ્રો અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેન પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાને સ્માર્ટ, સરળ અને ગતિશીલ બનાવશે
અમદાવાદના મોર્ડન પબ્લિક ટ્રાન્સપોર્ટ મેટ્રો ટ્રેનના બીજા ફેઝનો વડાપ્રધાન મોદી શુભારંભ કરાવવાના છે. આ તબક્કામાં અમદાવાદ અને ગાંધીનગર બે શહેરો મેટ્રોથી જોડાશે, જેના કારણે અમદાવાદથી કામ અર્થે ગાંધીનગર જનારા ઓછા ખર્ચમાં ઝડપી અંતર કાપી વહેલા પહોંચી શકશે.
મેટ્રોનો બીજો ફેઝ 21 કિલોમીટરનો રૂટ છે, જેનો ખર્ચ રૂા. 5384 કરોડ છે
રોકાણની નવી તકો પેદા થશે, વાજબી પરિવહન વિકલ્પ શહેરને મળવાથી, મેટ્રો રેલ જીવનની ગુણવત્તાને વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.