મિશન સફળ : સુનીતા વિલિયમ અને વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા

લોગ વિચાર :

અવકાશ વિજ્ઞાનની હરણફાળ અને ટેકનોલોજીની શ્રેષ્ઠતા વચ્ચે અમેરિકન અવકાશ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’ માટે પડકાર બની ગયેલી ઘટનામાં આજે અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ અને તેના સાથી એસ્ટ્રોનેટ બુચ વિલ્મોરને સહીસલામત પૃથ્વી પર પરત લાવવામાં સફળતા મળી છે.

સમગ્ર વિશ્વનું ધ્યાન ગઈકાલથી જ સ્પેસ-એકસના અવકાશયાન ‘ડ્રેગન’ની પૃથ્વી પર વળતી સફર પર હતું. બે દિવસ પુર્વે સ્પેસ લેબ સાથે સફળતાપૂર્વક ડોકિંગ થયા બાદ 9 માસથી સ્પેસલેબમાં ફસાયેલા અને વળતી મુસાફરીની એક એક પળ માટે પણ જેઓ રાહ જોતા હતા તે સુનિતા અને વિલ્મોર ઉપરાંત અન્ય બે રેગ્યુલર અવકાશયાત્રીને પરત લાવતા ડ્રેગન અવકાશ યાન (સ્પેસ એકસ ક્રુ.9) આજે ભારતીય સમય મુજબ સવારે 3.27 કલાકે ફલોરીડાના વિશાળ સમુદ્રના નલ્હાસી ક્ષેત્રમાં ઉતરાણ કર્યુ હતું.

સ્પેસ યાનના પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ સાથે જ મુખ્ય યાનથી તેનું અંતિમ એટેચમેન્ટ સમાન ડ્રેગ કેપ્સુલ અલગ પડી હતી અને હાલમાં જ જેનું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગલ્ફ ઓફ અમેરિકા કર્યુ છે તે પુર્વેના ગલ્ફ ઓફ મેકસીકોના યાત્રીઓ ઉતરવા રવાના થતા જ તેની વિશાળ પેરેશુટ નિયંત્રણ કક્ષાના આદેશ મુજબ ખુલી હતી અને કેપ્સુલે દરિયાના પાણીમાં ઉતરાણ મતલબ કે સ્પ્લેજાડાઉન કરતા જ અમેરિકી કોસ્ટગાર્ડના ત્રણ રેસ્કયુ શીપ એ તેમની આ કેપ્સુલ ભણી સફર શરૂ કરી હતી.

સૌપ્રથમ ડ્રેગન કેપ્સુલને રીકવરી જહાજ મેગન પર ચડાવવામાં આવ્યુ હતુ અને બાદમાં ડ્રેગન ક્રાફટના ‘હેચ’ ખોલીને સુનિતા વિલીયમ સહિત ચાર અવકાશયાત્રીઓને બહાર લાવવામાં આવતા જ એક દિલધડક મિશન પાર થયાનો આનંદ અને અવકાશયાત્રીઓ સલામત પરત ફર્યાની ખુશી દુનિયાભરમાં ફરી વળી હતી.

સુનિતા વિલીયમ અને તેના સાથી અવકાશયાત્રી ફરી આઠ દિવસના અવકાશી મિશન પર ગયા હતા અને વળતી મુસાફરીમાં બોઈંગ અવકાશયાન સ્ટારશીપમાં ક્ષતિ હોવાથી તેમાં વળતી મુસાફરીનું જોખમ લેવાયુ નહી પણ 8 દિવસનો આ શેડયુલ પ્રવાસ 286 દિવસનો બની ગયો હતો. આ સમય દરમ્યાન સ્પેસ લેબ મારફત સુનિતા અને તેના સાથીઓએ 4576 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી અને અવકાશમાં 195 મિલિયન કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો.

આજે ડ્રેગન કેપ્સુલના લેન્ડીંગ સાથે જ 10 મીનીટ સુરક્ષા ચેકીંગ થયા બાદ અંદર તથા બહારનું ઉષ્ણતામાન એક સમાન થયું કે તુર્ત જ અવકાશયાત્રીઓને બહાર લવાયા હતા.

લાંબો સમય અવકાશમાં ગ્રેવીટી-ગુરૂત્વાકર્ષણ વિહિન સ્થિતિમાં રહ્યા હોવાથી અવકાશયાત્રીઓ તુર્તજ સ્પેસ-સ્ટ્રેચર જેવા સીધા રીકટરી વાનના ખાસ રૂમમાં રાખવામાં આવ્યા હતા. સુનિતા એ સ્પેસ કેપ્સુલની બહાર આવતા જ હાથ હલાવીને સૌનુ અભિવાદન કર્યુ હતું.

બાદમાં તેઓને દરિયા કિનારેથી સીધા નાસાના ખાસ વિમાનમાં હ્યુસ્ટનના જોન્સન સ્પેસ સેન્ટરમાં ખાસ નિર્મિત ક્રુ કવાટર પર લઈ જવાયા છે અને અહી સુનિતા અને તેના સાથી અવકાશયાત્રી ખાસ અનેક આરોગ્ય ચકાસણી અને પૃથ્વીના વાતાવરણ સાથે તેઓનું શરીર તાલ મિલાવી શકે તેવી તબીબી સહિતની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને એક વખત ફલાઈટ સર્જન મંજુરી આપે તે પછી તેઓ પોતાના કુટુંબ પાસે જઈ શકશે.