લોગ વિચાર :
કેરળના વાયનાડમાં 400થી વધુ લોકોનો ભોગ લેનારા ભયાનક ભૂસ્ખલન બાદ હજુ રાહત કામગીરી ચાલુ જ છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાયનાડની મુલાકાતે પહોંચ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ અસરગ્રસ્તોને મળ્યા હતા. પૂરતી મદદ કરવાની બાહેંધરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે કેરળ પહોંચ્યા હતા અને વાયનાડના ભૂસ્ખલનમાં સૌથી વધુ પ્રભાવિત પુંચિરિમટ્ટમ, મુંડકકઇ તથા ચુરલમાલા ક્ષેત્રોનું હવાઇ નિરિક્ષણ કર્યું હતું. આ તકે રાજ્યના મુખ્યપ્રધાન પિનારાઇ વિજયન પણ સાથે રહ્યા હતાં.
ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોના નિરીક્ષણ બાદ અસરગ્રસ્તોને જ્યાં રાખવામાં આવ્યા છે તે રાહત શિબિરોની મુલાકાત લીધી હતી ઉપરાંત હોસ્પીટલમાં સારવાર લેતા ઘાયલોની મુલાકાત લીધી હતી. તેઓએ ઇજા અને અસરગ્રસ્તોને સંપૂર્ણ તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે 30 જુલાઇએ વાયનાડમાં ભયાનક ભૂસ્ખલન થયું હતું અને 400થી વધુના મોત થયા હતા. સેંકડો ઘાયલ થયા હતા હજુ સંખ્યાબંધ લોકો લાપત્તા છે.
► ભૂસ્ખલનગ્રસ્ત ભાગોમાં જમીનમાંથી ભેદી અવાજ: લોકો ફફડયા: ટીમો દોડાવાઇ
વાયનાડમાં ભયાનક ભૂકંપથી અસરગ્રસ્ત લોકો હજુ ભયના માહોલમાંથી બહાર આવ્યા નથી જ્યાં જમીનમાંથી રહસ્યમયી-ભેદી અવાજ આવવા લાગતા ફફડાટ ફેલાયો છે. આ ઘટનાક્રમ બાદ તંત્ર દ્વારા શૈક્ષણિક કાર્ય અટકાવવા ઉપરાંત લોકોનું સ્થળાંતર કરાયું છે. ભેદી ઘટના વિશે તપાસ શરૂ કરવામાં આવી છે. સિસ્મોલોજી કેન્દ્રનાં અધિકારીઓને દોડાવવામાં આવ્યા છે. જો કે, કોઇ ભૂગર્ભીય હલચલ માલુમ પડી નથી.