લોગ વિચાર :
આજે વિશ્વ વન્ય જીવ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણ ગીર અને સોમનાથની મુલાકાતે આવ્યા છે. આજે સવારે પ્રધાનમંત્રીએ સાસણમાં સિંહ દર્શન કર્યા હતા અને વાઇલ્ડ લાઇફ બોર્ડની મીટીંગમાં હાજરી આપી છે. આ સાથે વડાપ્રધાને 2927 કરોડના વન્ય જીવ સંવર્ધન માટેના પ્રોજેકટ લાયનનું લોન્ચીંગ પણ કર્યુ છે.
રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડની મીટીંગમાં ભાગ લેવા આજે વડાપ્રધાન સાસણ પહોંચ્યા હતા. ગઇકાલે તેમણે જામનગર અને સોમનાથની મુલાકાત લીધી હતી. સાસણમાં રાત્રી રોકાણ બાદ આજે સવારે સંપૂર્ણ બંદોબસ્ત વચ્ચે સાસણમાં સિંહ દર્શન કર્યા હતા.
આજે સવારે તેઓની ઉપસ્થિતિમાં પ્રોજેકટ લાયન અંતર્ગત રેલી પણ યોજવામાં આવી હતી. આજે બપોરે બોર્ડ બેઠક બાદ નરેન્દ્રભાઇ મોદી રાજકોટ નજીકના હિરાસર એરપોર્ટથી દિલ્હી પરત જાય તેવો કાર્યક્રમ નિર્ધારીત થયો છે.
આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ત્રણ કલાક જેટલો સમય વનમાં વિતાવ્યો હતો. આ બાદ તેમને બોર્ડની મીટીંગમાં હાજરી આપી હતી. તેઓ પરંપરાગત ફોેરસ્ટ વિભાગની કોટી પહેરીને કાફલા સાથે રોકાયા હતા અને તે બાદ મીટીંગમાં ભાગ લેવા પર ફર્યા હતા. ચુસ્ત સુરક્ષાના પગલા વડાપ્રધાનની મુલાકાતને લઇને લેવામાં આવ્યા છે અને આ સમયે સૌ માટે વનમાં પ્રવેશબંધી હતી.
‘વિશ્વ વન્યજીવ દિવસ’ની 2025 માટેની થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢ ખાતે સાસણગીરની મુલાકાત કરી હતી.
હાલ ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી છે. ગુજરાતમાં વસતા એશિયાઇ સિંહો તેમજ અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત, ભારત સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનવા જઇ રહ્યું છે. વધુમાં, સાસણમાં વન્યજીવન ટ્રેકિંગ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર અને એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં સાસણગીરમાં વસતા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસો કર્યા હતા.
તેમણે પોતે વર્ષ 2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી, અને ત્યાંની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, તેમણે ગિર વિસ્તારના સમગ્ર વિકાસ માટે, સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીરની વન્યજીવસૃષ્ટિની જાળવણી માટેના ભગીરથ પ્રયાસો આદર્યા હતા.
2007માં થયેલા સિંહોના શિકારની ઘટના પછી, ગુજરાત સરકારે જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરી, જેનો હેતુ વન્યજીવ ગુનાઓ પર દેખરેખ રાખવાનો, ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને એશિયાઇ સિંહો તેમજ એશિયાઇ સિંહોના ક્ષેત્રમાં વસતા અન્ય વન્યજીવોના સંરક્ષણને મજબૂત બનાવવાનો હતો.
ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસે વન્યજીવ સંરક્ષણમાં જ યોગદાન નથી આપ્યું, પરંતુ હજારો સ્થાનિક રહેવાસીઓની આવકમાં પણ હકારાત્મક પરિવર્તન આણ્યું છે, જેનાથી આ વિસ્તારનો ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 33,15,637 પ્રવાસીઓએ ગીર સંરક્ષિત વિસ્તારની મુલાકાત લીધી છે.
ગીરમાં સંરક્ષણ પ્રયાસો અને પ્રવાસનને સંતુલિત કરવા માટે 2017માં આંબરડી સફારી પાર્કની રચના કરવામાં આવી હતી. ગીર ઓનલાઈન પરમિટ બુકિંગ સિસ્ટમની શરૂઆત થયા બાદ સફારીનો અનુભવ વધુ સુવ્યવસ્થિત બન્યો છે.