મ્યાનમાર-થાઈલેન્ડમાં આવેલા ભૂકંપમાં 10,000થી વધુ લોકોના મોતની આશંકા

લોગ વિચાર :

ગઈકાલે મ્યાનમાર તથા થાઈલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપમાં એક તરફ સતત ચાલુ રહેલા આફટર શોકથી બન્ને દેશોના લોકો હજું થરથરી રહ્યા છે અને તબાહીના સાચા દ્રશ્યો ધીમે ધીમે બહાર આવતા જાય છે તે સમયે થાઈલેન્ડમાં ભૂકંપના કારણે જાનહાની મોટી હોવાનો ભય છે.

બહુમાળી ઈમારતો ધરાવતા આ નાનકડા દેશમાં સેંકડો ઈમારતો ધસી પડી છે અને તેના કાટમાળમાં સેંકડો લોકો દબાણ છે અને અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેના અનુમાન મુજબ થાઈલેન્ડમાં 1000થી વધુ લોકોના મોત થયા હોવાનો ભય છે.

બીજી તરફ મ્યાનમારમાં સરકારે સતાવાર રીતે 694 લોકો આ ભૂકંપના કારણે માર્યા ગયા હોય તેવું જાહેર કર્યુ છે. જો કે અમેરિકી એજન્સીના દાવા મુજબ 10000થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ છે. મ્યાનમાર અને થાઈલેન્ડ ઉપરાંત ભારત સહિત પાંચ દેશોમાં આ ભૂકંપની અસર હતી પરંતુ નુકસાન ફકત આ બન્ને દેશોમાં જ થયુ છે.

મ્યાનમારમાં જયાં એપી સેન્ટર હતું તેની નજીકના અને આ દેશના બીજા નંબરના સૌથી મોટા શહેર મોડાલયમાં પણ મોટી જાનહાની હોવાનો ભય અમેરિકી એજન્સીએ મુકયા છે અને આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે 900 કિલોમીટર દુર થાઈલેન્ડમાં પણ તે વિનાશ તથા મોટી જાનહાની સર્જી ગયો છે. થાઈલેન્ડ તથા મ્યાનમાર બન્ને દેશોમાં કટોકટી જાહેર કરાઈ છે.

મ્યાનમારની મદદે પહોચનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે અને ટનબંધ રાહત સામગ્રી પહોંચાડી દેવાઈ છે તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મદદની જાહેરાત કરી છે. આંતરયુદ્ધમાં ફસાયેલા મ્યાનમારમાં વિજળી પુરવઠો પણ દેશના મોટા ભાગમાં ખોરવાઈ ગયા છે. મ્યાનમારના લશ્કરી શાસક ઝીન આંગ હલાઈંગે દુનિયાભરને મદદે આવવા અપીલ કરી છે.

ચીન તથા રશિયાએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકને ‘ડિઝાસ્ટર એરિયા’ જાહેર કરવામાં આવ્યું છે. અહી 7.7ની તિવ્રતાના આંચકા બાદ પણ આફટર શોક ચાલુ જ રહ્યા હતા અને તે 6.4ની તિવ્રતા સુધીના નોંધાયા છે. બેંગકોકમાં 33 માળની એક ઈમારત જે બંધાઈ રહી હતી તે ભૂકંપમાં ધરાશાયી થતા ફકત સાત મજુરોને બચાવી શકાયા હતા અને હજુ કાટમાળમાં અનેક દબાયા હોવાની આશંકા છે.

ગ્લોબલ બ્લુલાઈટ ઓફ મ્યાનમારના જણાવ્યા મુજબ દેશના પાંચ મોટા શહેરોમાં તબાહી છે. અહી બોદ્ધ મઠ- પેગોડાને મોટું નુકશાન થયું છે. થાઈલેન્ડમાં હજારો વિદેશી ટુરીસ્ટ ફસાયા છે અને હવે તેમને સ્વદેશ પરત મોકલવા એ સૌથી મોટી સમસ્યા છે.

બેંગકોક એરપોર્ટ ધીમે ધીમે શરૂ થયુ છે પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટને હજુ લીલીઝંડી અપાઈ નથી. મ્યાનમારથી લોકો ભારતમાં ઘુસે નહી તેની પણ ખાસ ચિંતા કરવામાં આવી રહી છે.

અફઘાનમાં પણ વહેલી સવારે 4.7ની તિવ્રતાનો ભૂકંપ
કાબુલ: ભારતના પાડોશી મ્યાનમાર ઉપરાંત થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપના કલાકોમાંજ અફઘાનીસ્તાનમાં પણ 4.7ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો. જો કે અગાઉ પણ અનેક વિનાશક ભૂકંપનો ભોગ બની રહેનાર આ દેશમાં કોઈ જાનહાનીના રિપોર્ટ નથી.

આજે સવારે 5.16 કલાકે અફઘાનના અનેક પહાડી ક્ષેત્રમાં 4.7ની તિવ્રતાનો આંચકો નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો જેનું ભૂમિબિન્દુ કાટમાળથી 180 કિ.મી. દુર હોવાનું નોંધાયુ છે.

ભારતે ટનબંધ રાહત સામગ્રી મ્યાનમારમાં મોકલી
તૈયાર ખોરાક, દવા, કપડા, તંબુ તથા જનરેટર સેટનો સમાવેશ
નવી દિલ્હી: મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં ભારત સૌથી પ્રથમ મદદે પહોંચી ગયુ છે અને ભારતીય હવાઈદળનું ટ્રાન્સપોર્ટ વિમાન 15 ટન રાહત સામગ્રી સાથે પહોંચી ગયુ છે જેમાં તંબુ, સ્વીપીંગ પેગ, ધાબળા તૈયાર ખોરાક, પાણી સ્વચ્છ કરવાના સાધનો, સફાઈ સામગ્રી, જનરેટર સેટ સૌર લેમ્પ, આવશ્યક દવાઓ, કપડા વિ.નો સમાવેશ થાય છે અને હજુ વધુ મદદ મોકલવામાં આવી રહી છે.